Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જિલ્લા પંચાયતમાં વહીવટી અરાજકતા વધે તો સુપરસીડના ભણકારા

શાસન પર ગમે તે રહે હવે પછીના અઢી વર્ષ ડામાડોળ સ્થિતિઃ રાજકીય લડાઇની સીધી અસર વહીવટી તંત્ર પર

રાજકોટ, તા., ૮ :  જિલ્લા પંચાયતમાં શાસક કોંગ્રેસ બે જૂથો વચ્ચેની લડાઇ અને ભાજપ દ્વારા  સરકાર પ્રેરિત દખલગીરીથી પંચાયતનું રાજકીય ભાવિ ડામાડોળ થઇ ગયું છે. હવે પછીના અઢી વર્ષ શાસનમાં કોઇપણ ચૂંટાયેલા સભ્યો સતા પર  રહે પણ સ્થિરતા સાથે શાસન કરી શકે તેવા એંધાણ દેખાતા નથી. રાજકીય ઉથલપાથલ પછી પણ વહીવટી અંધાધૂંધી વધે તો સરકાર પંચાયતની ચુંટાયેલી પાંખનું વિસર્જન (સુપરસીડ) કરી નાખે તેવી શકયતા દૂર - દૂર ડોકાવા લાગી છે. રાજકીય સમીકરણો ગમે ત્યારે ફરી શકતા હોય છે  પરંતુ અત્યારે સુપરસીડ સહિતના એકથી  વધુ વિકલ્પો ખૂલ્લા દેખાય છે.

જિલ્લા પંચાયતમાં ગઇ ર૦ જૂને નવા પ્રમુખની વરણી થઇ તે વખતથી કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. કોંગીના ર૧ સભ્યોએ ભાજપની છાવણીમાં જઇને સામાન્ય સભામાં બળવો કરેલ. કોંગ્રેસે ૧૯ સભ્યોને શિસ્તભંગની નોટીસ ફટકારી છે. બન્ને જૂથો વચ્ચેની લડાઇ હજુ ચાલુ છે. તા. ૧૩ મીએ સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણી છે તેના માટે ખેંચતાણ ચાલી રહી છે.

કારોબારી સમીતીની બેઠક ગઇ તા.ર૧ મીએ મળેલ તે મામલો હાઇકોર્ટમાં પડતર છે. આવતીકાલે સુનાવણીની તારીખ છે. કારોબારી મળી ગઇ છે પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં તેના નિર્ણયોનો અમલ થઇ શકતો નથી તેની સીધી અસર વહીવટી પ્રક્રિયા અને લોકોના કામ પર પડી છે. આવતા દિવસોમાં અન્ય સમીતીઓમાં પણ આવી સ્થિતિ થવાની સંભાવના નકારાતી નથી. પંચાયતની ચુંટણીમાં ર૦૧પમાં ભાજપને ર અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળેલ. છેલ્લી સામાન્ય સભાની સ્થિતિ મુજબ ભાજપ પ્રેરીત કોંગ્રેસના બાગીઓ બહુમતીમાં છે. ભાજપને માત્ર કોંગ્રેસનું શાસન તોડી પાછલા બારણેથી સતા ભોગવવામાં રસ છે. જો કોંગ્રેસી વચ્ચેનો અંદરોઅંદરનો ઝઘડો વધે અને વહીવટી તંત્ર ચલાવવું મુશ્કેલ થઇ જાય તો ભાજપ સરકાર સુપરસીડનો ખેલ ખેલી નાખે તેવી શકયતા સાવ નકારાતી નથી. બાગીઓનો મામલો પક્ષાંતર ધારાના મુદ્દે કાનુની રાહ પર જઇ શકે છે. અત્યારની સ્થિતિ મુજબ પંચાયતનું રાજકીય ભાવી ઉજ્જવળ દેખાતું નથી. ચુંટાયેલી પાંખની વહીવટી તંત્રમાં ભુમીકા હોવાથી આંતરકલહની સીધી અસર વહીવટ પર પડી શકે છે. વારંવાર વહીવટી કામગીરી ખોરંભે પડે તેવા સંજોગોમાં પંચાયત સુપરસીડ કરવાનો સરકારને અધિકાર છે. જો ભાજપ ખાઇ ન શકે તો ઢોળી શકે છે તેવા અત્યારના સંજોગો છે. બાગીઓની બેઠકો ખાલી પડે અથવા મધ્યસત્રની ચુંટણી આવે તો ભાજપ માટે બે બેઠકોથી જેટલી વધુ બેઠકો મળે તે વકરો એટલો નફો બરાબર છે. પંચાયતની રાજકીય ક્ષિતીજે આવતા દિવસોમાં વધુ રાજકીય ઉથલ-પાથલ તેમજ સુપરસીડ સહીતની અટકળો શરૂ થઇ ગઇ છે.

(3:37 pm IST)