Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભુલથી ઝેરી દવા વાળુ પાણી પી જતાં માધવ પાર્કના લીલાબેન ખુંટનું મોત

રિધ્ધી સિધ્ધીમાં દિકરીના ઘરે રહેતાં કુંભાર વૃધ્ધાનો સળગીને આપઘાતઃ વૃધ્ધા બાથરૂમમાં હતાં ત્યારે ભુલથી લાઇટ બંધ થઇ જતાં તે બાબતે માઠુ લાગ્યું

રાજકોટ તા. ૮: કાલાવડ રોડ પર આસ્થા મવડી રેસિડેન્સી સામે માધવ પાર્ક-૧માં રહેતાં લીલાબેન વલ્લભભાઇ ખુંટ (ઉ.૫૮) નામના લેઉવા પટેલ વૃધ્ધા ઝેરી દવા વાળુ પાણી પી જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું.

 

તાલુકા પોલીસ સ્ટેશનના  અજીતસિંહ જાડેજા અને રાઇટર રિતેશભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ ઘર સાથે જ ડેરી આવેલી છે. ડેરીમાં પતિએ મચ્છર-માખીઓ ન થાય એ માટે પાણીના ગ્લાસમાં માખી-મચ્છર ભગાડવાની ટીકડી પલાળીને રાખી હતી. આ પાણી ભુલથી લીલાબેન પી જતાં ઝેરી અસર થઇ હતી. બનાવથી પરિવારમાં શોક  છવાઇ ગયો છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.

બીજા બનાવમાં ગોંડલ રોડ સાંઢીયા પુલ પાસે રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં દિકરીના ઘરે રહેતાં મણીબેન લવજીભાઇ મારડીયા (ઉ.૭૦) નામના કુંભાર વૃધ્ધાએ ગત બપોરે અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત નિપજ્યું હતું. મણીબેન બાથરૂમમાં હતાં ત્યારે કોઇએ અજાણતાં લાઇટ બંધ કરી દેતાં તે બાબતે દિકરી સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

મણીબેનને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરીઓ છે. તેના પતિનું વર્ષો પહેલા અવસાન થયું છે. પેરાલિસીસનો હુમલો આવ્યા બાદ મણીબેન દિકરી અને જમાઇ સાથે રહેતાં હતાં. જમાઇ સુરેશભાઇના કહેવા મુજબ મંગળવારે સવારે સાસુ બાથરૂમમાં હતાં ત્યારે કોઇએ ભુલથી લાઇટ બંધ કરી દેતાં તે ગુસ્સે ભરાયા હમતાં અને ચડભડ કરી હતી. બાદમાં બપોરના સમયે સમયે જાત જલાવી દીધી હતી.

સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:52 am IST)