Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૧પ૦ રીંગ રોડ, જામનગર હાઇવેને જોડતા શિતલપાર્કના રસ્તાને ૧ર મીટરનો બનાવાશેઃ ખેતરોની કપાત થશે

આવતી કાલે મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીઃ ૩૯ દરખાસ્તો : રેલનગર-છત્રપતિ શિવાજી ટાઉનશીપનાં કોમ્યુનિટી હોલનું ભાડુ નકકી થશેઃ ર૦૧૯ માં યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૦ લાખ ખર્ચાઇ ગ્યા!!: આવાસ યોજનાના દસ્તાવેજો માટે પાંચ કલાર્કને સત્તાઃ પ્રદ્યુમન પાર્કમાં સિંહ-વાઘ-રીંછ-વાંદરામાં પીંજરા પાસે ર૧.૭૪ લાખની વુડન આર્ટ રેલીંગ નંખાશે

રાજકોટ તા. ૮ :.. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આવતીકાલે મળનાર છે. જેમાં ૧પ૦ રીંગ રોડથી જામનગર હાઇવેને જોડતો શીતલપાર્ક મેઇન રોડ જે હાલ ૯ મીટરનો છે તેને ૧ર મીટર પહોળો કરવાની દરખાસ્ત સહિત વિવિધ ૩૯ જેટલી દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

શીતલ પાર્ક મેઇન રોડને પહોળો કરવા માટે મ્યુ. કમિશનરે કરેલી દરખાસ્તમાં જણાવાયુ છે કે ૧પ૦ રીંગ રોડ અને જામનગર રોડને જોડતાં આ ૯ મીટરનાં રોડ ઉપર ટ્રાફિક વધુ હોવાથી તેને પહોળો કરવા ૧ર મીટરનો બનાવવો જરૂરી છે.

આ માટે બંને બાજુએથી ૧.પ૦ મીટરની જમીન કપાત કરવાની થાય છે. આ માટે 'લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ' જાહેર કરવા દરખાસ્ત છે.  જો કે કપાતમાં મકાનો નથી જતાં ખેતરની જમીન જાશે તેનુ વળતર મનપા દ્વારા ચુકવાશે.

આ ઉપરાંત અન્ય દરખાસ્તોમાં ર૦૧૯ નાં જૂન મહીનામાં યોજાયેલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનાં આયોજન કરાયેલ જેમાં ટુર્નામેન્ટ દરમિયાનનો ૧૧ બાબતો ભોજન ખર્ચ, પર હજારની મીઠાઇ, સીઝન બોલ, ગાર્ડ, ૩પ હજારનું ડ્રાઇફ્રુટ, ૮૧ હજારનાં ટ્રેક શુટ, ૧.૭૬ લાખનુ વાહન ખર્ચ, ૮૬ હજારનાં ફોટોગ્રાફ, ૪.પ૪ લાખનું વિડીયો શુટીંગ,  ર.પ૯ લાખની સાઉન્ડ સીસ્ટમ, રાજકોટનાં મેયર-કમિશનરની ટીમો માટે ૬૦ હજારનાં ક્રિકેટ સાધનો આ તમામ નાના-મોટા ખર્ચાઓ સહિત કુલ ર૩ લાખનો ખર્ચ  મંજૂર કરવા દરખાસ્ત છે.

જયારે આજી ડેમનાં ડાઉન્ટસ્ટ્રીમમાં અર્બન ફોરેસ્ટમાં ૮.૮૩ લાખનાં ખર્ચે દિવાલ, સાયકલ ટ્રેક, ટોઇલેટ, ચીલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ, સેલ્ફી  થિયેટર, એન્ટી ગેઇટ વગેરે સુવિધા ઉભી કરવા દરખાસ્ત છે.

જયારે રેલનગર પાસે આવેલ છત્રપતી શિવાજી ટાઉનશીપમાં  બનાવાયેલ કોમ્યુનિટી હોલનું ભાડુ લગ્ન સહિતનાં શુભ પ્રસંગો માટે ૯૦૦૦, દુઃખદ પ્રસંગો માટે ર૦૦૦ અને કોમર્શીયલ હેતુ માટે ૧પ૦૦૦ ભાડુ નિશ્ચીત કરવા અને ૯ હજારથી ૧૦ હજારની ડીપોઝીટ  રાખવા દરખાસ્ત છે.

આ ઉપરાંત આવાસ યોજનાના દસ્તાવેજો બનાવવા માટે આવાસ યોજનાના પાંચ હેડ કલાર્કને સત્તા આપવા દરખાસ્ત છે. આમ ઉકત તમામ મહત્વની દરખાસ્તો સહિત કુલ ૩૯ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાનાર છે.

(3:10 pm IST)