Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૧૧૩૧ થાંભલા જમીનદોસ્તઃ ૪૦ ટ્રાન્સફોર્મરમાં ધડાકા

વરસાદે ભારે કરીઃ ૪૭૪ ફીડર બંધઃ ૧૪૯ ગામમાં અંધારપટઃ પોરબંદરના ૮ અને જામનગરના ૮ર ગામોમાં પૂરના પાણી ફરી વળતા વીજ ટીમો પહોંચી ન શકી

રાજકોટ તા. ૮ :.. મેઘરાજાએ ગઇરાતથી ખમૈયા કર્યા છે, પરંતુ સતત ત્રણ દિ' પડેલા ભારે વરસાદે વીજ તંત્રને લાખોનું નુકસાન કરી નાખ્યું છે. આજે સવારે પીજીવીસીએલ ના સત્તાવાર રીપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં  વીજ તંત્રના ૧૧૩૧ થી વધુ થાંભલા જમીન દોસ્ત થઇ ગયા છે, અને ૪૦ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા ઉડી ગયા છે. આમાં સૌથી વધુ થાંભલા જામનગર જીલ્લામાં પ૮૯, રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં ૧૦પ, પોરબંદર જીલ્લામાં ૧પ૦ થાંભલા પડી ગયાનું જાહેર કરાયું છે.

આ ઉપરાંત ૧૪૯ ગામોમાં હજુ અંધારપટ છે, એમાં પણ પોરબંદરના ૮ ગામ અને જામનગરના ૮ર ગામ એવા છે કે જયાં ભારે વરસાદને કારણે પુરના પાણી ભરાયેલા હોય વીજ તંત્રની ટીમો આજે પણ ત્યાં પહોંચી શકી નથી, ૯૦ ગામોમાં ત્રણ દિ'થી પાવર ન હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

દરમિયાન આવેલા રીપોર્ટ મુજબ જેજીવાયના -ર૯, એઝીકલ્ચરના ૪૪૪ અને અન્ય એક મળી હજુ ૪૪૭ ફીડર બંધ હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

સાધનોએ જણાવેલ કે પ૦ થી વધુ વીજ ટીમો રાઉન્ડ ધ કલોક કાર્યવાહી કરી રહી છે, વરસાદે વિરામ લીધો હોય, ર૪ થી ૪૮ કલાકમાં સર્વત્ર વીજ પુરવઠો કાર્યાન્વત કરી લેવાશે.

(3:09 pm IST)