Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મવડીની એન.આર.આઇ.ની કિંમતની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી બાંધકામ કરતા પોલીસ કમિશનરને અરજી

ફરિયાદ અરજીના પુરાવા આપવા છતા કાર્યવાહી નહિ થતા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવા માંગણી

રાજકોટ તા. ૮ : અત્રે કાલાવાડ રોડઉપર ચામુંડા કૃપા નામના મકાનમાં રહેતા ધર્મેશભાઇ દેવજીભાઇ ફતેપરાએ કૈલાષ મુરલીધર જાજોડીયાના કુલમુખત્યાર દરજજે એન.આર. આઇની કીમતી જમીનમાં બોગસ દસ્તાવેજ બનાવી પોલીસની બેદરકારીના કારણે ત્યાં કામ ચાલુ કર્યાનો આક્ષેપ કરી આ અંગે જવાબદાર અધિકારીનો ખુલાશો પુછવા તેમજ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવાની માંગણી સાથે રાજકોટ પોલીસ કમિશનરશ્રીને અરજી પાઠવેલ છે.

અરજીમાં જણાવાયું છે કે વાવડીના રે.સ.નં.૩૧ પૈકીની બીનખેતીના પ્લોટ નં.૪૩ ની જામીન ચો.વા.આ.૭પ૮-૭-૦ તથા પ્લોટ નં. ૪૭ ની જમીન ચો.વા.આ. પ૬૩-૩-૦ અને પ્લોટ નં.૪૮ ની જમીન ચો.વા.આ.પ૦૧-૧-૦ એમ મળી કુલ ૧૮૦૦-૧૦ વાળી જમીન કૈલાષભાઇ મુરલીધરજી જાજોડીયાની માલીકી કબજા-ભોગવટાની આવેલ છે કૈલાષભા કાયમી માટે વિદેશ રહેતા હોય તેના મિત્ર ધર્મેશભાઇ દેવજીભાઇ ફતેપરાને 'પાવર ઓફ એટર્ની' આપેલ હતું.

પાવર ઓફ એટર્ની કર્યા બાદ કૈલાષભાઇ વિદેશ ગયેલ અને મે રાજકોટ આવી રેવન્યુ રેકર્ડ અંગેની જાત તપાસ કરી દસ્તાવેજો માંગેલા તો જાણવા મળેલ કે આ કૈલાષભાઇના નામની ભળતી વ્યકિતને ઉભી રાખી તેના ફોટા મુકી મરી ગયેલ વકીલ વી.એમ.ભટ્ટની ઓળખાણમાં ખોટી સહીઓ મરી ગયેલ નોટરી સોનેજીના ખોટા સીકકાઓ તેમજ સહીઓ કરી બોગસ કુલમુખ્યારનામુ બનાવી ખોટી ચુકતે અવેજની પહોંચો ઉભી કરેલ છે.

અને આ બોગસ કુલમુખત્યારનામાનો સ્ટેમ્પ ખોટો બનાવી ખોટા મુખત્યારનામાના આધારે ૧૯૯૯ ના કુલ મુખત્યારના આધારે ર૦૧૯ માં રજીસ્ટર દસ્તાવેજ બનાવી લીધેલ છે આ બોગસ દસ્તાવેજમાં નીયમ મુજબ કુલમુખત્યારનામુ હૈયાત હોવાના કોઇ પુરાવા સરનામા તેમજ આધાર કાર્ડ કે પાનકાર્ડ કોઇપણ આપવામાં આવેલ નથી અને તે બોગસ દસ્તાવેજ બનાવવામાં સબ રજીસ્ટ્રાર સી.જી.બરવાડીયા રાજકોટ-૭ કોઠારીયાએ પણ મદદગારી કરી નીયમ વિરૂદ્ધ દસ્તાવેજ નોંધી આપેલ છે.

ઉપરોકત તમામ દસ્તાવેજો મેળવ્યા બાદ તપાસ કરતા આ કામમાં કાવત્રુ રચી એક બીજાને મદદગારી સંજય, અમીતકુમાર હરીશભાઇ શેઠ, સંદીપ છગનભાઇ ઉધરેજીયા, મહેશભાઇ કાનજીભાઇ કોલડીયા, અમીત, હરીશકુમાર શેઠ કુલમુખત્યારનામાં ખોટુ નામ ધારણ કરનાર વ્યકિત એડવોકેટ વી.એમ. ભટ્ટની ખોટી સહીઓ કરી ઓળખાણ આપનાર ગુજરનાર નોટરીના ખોટા સહી, સીકકાઓ બનાવી બોગસ નોટરી કરનારની ચુકતે અવેજની ખોટી પહોંચ બનાવનાર તથા તેના સાક્ષીઓ તથા તપાસમાં જે ખુલે તેઓની સામે લેખીત ફરીયાદ તા.ર૯/ર/ર૦ ના રોજ આપેલ.

આ ફરીયાદની તપાસ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલતા અમોએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના અધીકારીએ તા.૧૮/૩/ર૦ ના રોજ બોલાવી નીવેદન લીધેલ અને ત્યારબાદ અવાર નવાર જે જે દસ્તાવેજો માંગેલા તે તમામ દસ્તાવેજો પુરા પાડેલ છે. આમ ઉપરોકત વીગતે મરણજનાર એડવોકેટની ખોટી ઓળખાણ તેમજ મરણ જનાર નોટરીના બોગસ્ સીકકાઓના આધારે ખોટા દસ્તાવેજોની ગંભીર પ્રકારની ફરીયાદ અને પુરાવાઓ હોવા છતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કોઇ ગુનો નોંધતા નથી.

રાજય સરકાર પણ એન.આઇ.આરની ફરીયાદને તાત્કાલીક ન્યાય અપાવવા કટીબદ્ધ હોય ત્યારે આપના તાબાના અધિકારી આવા ગંભીર પ્રકારના ગુનોમાં બેદરકારી દાખવી રહ્રયહ્યા છે અને આરોપીઓને મદદગારી કરી રહ્યા છે હાલમાં આ ઉપરોકત જમીનમાં અધિકારીઓની નજર ગ્રહણ હેઠળ કામ પણ ચાલુ કરવામાં આવેલ છે જે વર્તણુંક જોતા આ અધિકારી જો તપાસ કરશે તો ન્યાય નહી મળે અને એન.આઇ.આર.ની જમીન હડપ થઇ જશે જેથી આ અંગેની ગંભીરતાને ધ્યાનમાં લઇ આ અધિકારીએ ફરીયાદના અનુસંધાને જે કાર્યવાહી કરેલ હોય તેના તમામ કાગળો મંગાવી આટલા દીવસ સુધી કેમ કોઇ કાર્યવાહી કરેલ નથી તેનો ખુલાસો માંગવા તેમજ મહત્વની બ્રાંચમાં તપાસ સોપવા હુકમ કરવા ધર્મેશભાઇ ફતેપરાએ કૈલાષ મુરલીધર જાજોડીયાના કુલ મુખત્યાર દરજજે અરજ કરેલ છે.

(2:55 pm IST)