Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મનાઇ હતી છતાં જાગરણની રાતે લોકો બહાર નીકળી પડ્યાઃ ઠેકઠેકાણે ચેકીંગમાં અનેક વાહનચાલકો દંડાયા

રાજકોટઃ કોરોના મહામારીને કારણે જયાપાર્વતિના જાગરણમાં લોકોને ઘરની બહાર ન નીકળવા અને ઘરે જ રહીને જાગરણ કરવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપી હતી. અનલોક-૨ અંતર્ગત રાત્રીના દસથી સવારના પાંચ સુધી ફરજીયાત કર્ફયુ પાળવાનો હોઇ આ અંગે દરરોજ પોલીસ ગુના પણ નોંધી રહી છે. આમ છતાં જાગરણની રાતે લોકો શહેરભરમાંથી વાહનો લઇ બહાર નીકળી પડતાં પોલીસને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. કોરોના મહામારીમાં લોકો મોડી રાતે બહાર ન નીકળે અને નીકળે તો દંડ સહિતની કાર્યવાહી કરવાના આદેશો મળ્યા હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમો તેમજ એસઓજી અને શહેરભરના પોલીસ મથકના ઇન્સ્પેકટર્સ તથા તેમની ટીમોએ ઠેકઠેકાણે મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ પર ચેકીંગ શરૂ કર્યુ હતું. આ ચેકીંગમાં અસંખ્ય વાહનચાલકો તથા મહિલાઓ કર્ફયુ ભંગ કરતાં પકડાઇ ગયા હતાં. શહેરના કોટેચા ચોક, હનુમાન મઢી ચોક, આકાશવાણી ચોક, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ, કિસાનપરા ચોક, મવડી ચોકડી, ઉમિયા ચોક, રૈયા ચોકડી સહિતના માર્ગો પર રાતભર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વાહન ચાલકો નિયમોનો ભંગ કરતાં મળી આવતાં દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની સુચના હેઠળ કાર્યવાહી થઇ હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા પોતે પણ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. પોલીસ ચેકીંગના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:02 pm IST)