Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મોરબી રોડ ૨૫ વારીયામાં રાહુલ ઉર્ફ ચોટીયાની ધમાલઃ કેવલને ધોકાવી તેના માતાને છરી ઝીંકીઃ સગર્ભા હેતલને પાઇપ ફટકાર્યો

હેતલના પતિ ભાવેશ વાળંદ સામે ચોટીયાની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનોઃ ચોટીયા અને અજાણ્યાએ મળી કેવલનું એકટીવા પણ સળગાવ્યું: જુના મનદુઃખમાં ડખ્ખો થયાની ચોટીયાની ફરિયાદઃ સામે હેતલની ફરિયાદ

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી ૨૫ વારીયામાં શનિ-રવિની મોડી રાત્રે ચોટીયા નામના કોળી શખ્સે આ વિસ્તારના જ એક યુવાન સાથે ઝઘડો કરી તેને મારકુટ કરતાં અને તેના માતા છોડાવવા આવતાં તેણીને ગાલ પર છરી ઝીંકી તેમજ તેનું એકટીવા સળગાવી નાંખતાં અને પડોશી વાળંદ સગર્ભા ત્યાં ઉભી હોઇ તેને પણ હાથમાં પાઇપ ફટકારી દઇ ઇજા કરી ધમાલ મચાવતાં દેકારો મચી ગયો હતો. આ મામલે ગુનો નોંધાયો હતો. બીજી તરફ વાળંદ સગર્ભાના પતિએ ચોટીયાને માથામાં પાઇપ ફટકારી દેતાં તે બેભાન થઇ ગયો હતો. તે ભાનમાં આવ્યા બાદ તેની ફરિયાદ પરથી વાળંદ યુવાન સામે હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરાયો છે. વળાંકમાં બાઇક વાળવા બાબતે અગાઉ મનદુઃખ થતાં આ ડખ્ખો થયાનું હાલ બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે ૨૫વારીયામાં રહેતી હેતલબેન ભાવેશ ધોળકીયા (ઉ.૩૨) નામની વાળંદ સગર્ભાની ફરિયાદ પરથી રાહુલ ઉર્ફ ચોટીયો મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૨૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

હેતલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૭/૭ના સાડા બારેક વાગ્યે હું ઘરમાં હતી ત્યારે બહાર ઝઘડાનો અવાજ થતાં હું બહાર જતાં રાહુલ ઉર્ફ ચોટીયો અમારી શેરીમાં સબ સ્ટેશન પાસે કેવલ રામજીભાઇ કટારીયા સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. રાહુલ સાથે બીજો અજાણ્યો શખ્સ પણ હતો. એ બંને ઝપાઝપી કરતાં હતાં એ દરમિયાન કેવલના માતા હંસાબેન છોડાવવા આવતાં તેના ગાલ પર ચોટીયાએ છરી  ઝીંકી દીધી હતી.

ત્યારબાદ રાહુલ ઉર્ફ ચોટીયાએ પોતાના એકટીવામાંથી પેટ્રોલ કાઢીને અજાણ્યા શખ્સને આપતાં તેણે કેવલના એકટીવા જીજે૩એલસી-૦૦૯૭ ઉપર છાંટી દીધેલ અને ચોટીયાએ કોઇ ચીઝથી સળગાવી દીધું હતું. ટોળુ ભેગુ થતાં દસેક મિનીટ સુધી ચોટીયો અને સાથેનો શખ્સ ભાગી ગયા હતાં. પછી પાછા આવ્યા હતાં અને હું મારા ઘર પાસે ઉભી હતી ત્યારેગાળો બોલતાં હતાં અને મારા હાથમાં લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો. તે વખતે મારા પતિ ભાવેશ કામેથી આવી ગયા હોઇ તે મને બચાવવા આવ્યા હતાં અને ચોટીયાને ધક્કો મારતાં તે પડી ગયો હતો. એ પછી અમને ડર લાગતાં અમે અમારા નણંદના ઘરે જતાં રહ્યા હતાં. ત્યાંથી હું અને હંસાબેન સિવિલે પહોંચ્યા હતાં અને સારવાર લીધી હતી.

ચોટીયાની વળતી ફરિયાદ

ડખ્ખા વખતે જય જવાન જય કિસાન ૨૫ વારીયામાં રહેતો રિક્ષાચાલક રાહુલ ઉર્ફ ચોટીયો કિશોરભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૩) બેભાન થઇ ગયો હોઇ તે ભાનમાં આવતાં ગત રાતે તેની ફરિયાદ પરથી ભાવેશ વાળંદ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૩૨૩, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયો છે. રાહુલે જણાવ્યું હતું કે પોતાને અને ભાવેશને અગાઉ વળાંકમાં બાઇક વાળવા બાબતે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી પોતાને ગાળો ભાંડી ભાવેશે પાઇપથી માથામાં ઘા મારતાં હેમરેજ થઇ ગયાનો રિપોર્ટ આવ્યો છે. પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ કે. યુ. વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)