Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ફર્નીચરના માલની ખરીદી કરીને આપેલ ચેક પાછો ફરતાં વેપારીઓ સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૮: અત્રે ફર્નીચરના વેપારીઓ સામે માલના પેમેન્ટ બાબતે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, કમલેશભાઇ મેરામભાઇ બાલાસરા 'શુભમ એન્ટરપ્રાઇઝ'ના નામથી થોરાળા પોલીસ સ્ટેશન સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે અલગ અલગ પ્રકારની ફર્નીચરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે જયારે આ કામના આરોપીઓ અતુલભાઇ ભીખુભાઇ રાઠોડ રહે. પરસાણાનગર, શેરી નં. પ, જામનગર રોડ, રાજકોટનાએ રૂ. ૩,પ૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પુરાનો તથા કરણસીંહ જેઠુભા ઝાલા રહેઃ ઘનશ્યામનગર શેરી નં. ૧પ, ખોડીયાર મંદીરની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટનાએ રૂ. ૭૧,૦૦૦/- અંકે રૂપિયા એકોતેર હજાર પુરાના ફર્નીચરના માલની ખરીદી કરેલી.

આ માલનું પેમેન્ટ ચુકવવા માટે અતુલભાઇ ભીખુભાઇ રાઠોડએ રાજકોટ નાગરીક સહકારી બેંક લી. જંકશન પ્લોટ બ્રાંચ રાજકોટનો તથા કરણસીંહ જેઠુભા ઝાલાએ તેના બેંક, માંડવી ચોક બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો હતો. આમ બંન્ને પાર્ટીએ આપેલ ચેક ફરીયાદીએ તેમની 'શુભમ એન્ટરપ્રાઇઝ'ના ખાતા વાળી એચ.ડી.એફ.સી. બેંક, રણછોડનગર બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું બન્ને ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતા.

આમ બન્ને પાર્ટીએ આપેલ ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના બંન્ને આરોપીઓને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં આ કામના આરોપીઓએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપીઓ અતુલભાઇ ભીખુભાઇ રાઠોડ તથા કરણસીંહ જેઠુભા ઝાલા ને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:47 pm IST)