Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વિવેકાનંદનગરમાં રાજસ્થાની યુવાનના ફલેટના તાળા તોડી ૮૫ હજારની ચોરી

દાગીના બચી ગયાઃ મહેશ ગોયલ સવારે નોકરીએ ગયા'તાઃ સાંજે ઘરે પહોંચ્યા ત્યારે તાળા તૂટેલા જોયાઃ ભકિતનગર પોલીસે અરજી નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરવા કાર્યવાહી હાથ ધરી

રાજકોટ તા. ૮: કોઠારીયા રોડ પર વિવેકાનંદનગર-૮માં ગોવર્ધન એપાર્ટમેન્ટ ૧૦૩માં રહેતાં મુળ રાજસ્થાનના યુવાન મહેશકુમાર શ્રીરામ ગોયલના ગઇકાલે સવારના સાડા નવથી સાંજના છ સુધી બંધ રહેલા ફલેટના તાળા તોડી તસ્કરો હાથફેરો કરી ગયા છે. આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતાં મહિલા પીએસઆઇ પીપરોતર અને રાઇટર રામદેવસિંહે ઘટના સ્થળે પહોંચી ઘરધણી પાસેથી માહિતી મેળવી હતી. પોલીસના કહેવા મુજબ હાલ ઘરધણીને ફરિયાદ કરવી ન હોઇ અરજી નોંધીને તપાસ યથાવત રાખવામાં આવી છે.

મહેશકુમારના ઘરમાંથી તસ્કરો કબાટ તોડી રોકડા રૂ. ૮૫ હજાર ચોરી ગયા છે. દાગીના પણ હતાં જે સદ્દનસિબે તસ્કરોની નજરે ન ચડતાં બચી ગયા છે. મહેશકુમાર ટાયરની કંપનીમાં નોકરી કરે છે અને એકલા જ રહે છે. પોલીસે જ્યાં ચોરી થઇ એ વિસ્તારમાં કેટલાક સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. લોકો ફલેટમાં અવર-જવર કરતાં દેખાય છે. પરંતુ તેમાંથી શકમંદ કોણ છે? તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે ફલેટ અને તસ્કરોએ તોડી નાંખેલા કબાટ તથા વેરવિખેર ચીજવસ્તુઓ જોઇ શકાય છે.

(3:45 pm IST)