Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

નીટમાં ૫૦૦થી વધુ ગુણ પરંતુ શિક્ષણ બોર્ડની ધો.૧૨ની પરીક્ષામાં નાપાસ છાત્રો મેડીકલ પ્રવેશથી વંચિત

કોચીંગ કલાસીસ અને હવે શાળાઓ પણ નીટની જ તૈયારી કરાવતા હોય, કપરી સ્થિતિ નિર્માણ પામી... ધો.૧૨ સાયન્સમાં ગ્રેસીંગ આપવા રજૂઆત

રાજકોટ, તા. ૮ : તાજેતરમાં નીટનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ ગુણ મેળવ્યા છે. પરંતુ ધો.૧૨ સાયન્સ ગુજરાત બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં મેડીકલ પ્રવેશ માટે વંચિત રહેવાની સ્થિતિ થઈ છે.

મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)નુ તાજેતરમાં પરિણામ જાહેર થયુ છે ત્યારે નીટમાં ગુજરાતમાંથી ૩૫૧૭૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.ગુજરાતમાંથી ૭૫ હજારથી વધુ નીટ આપી હતી.

પરંતુ ૪૬ ટકા જેટલા કવોલીફાઈ થયા છે.જયારે ગત વર્ષ કરતા ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે નીટમાં વધુ પાસ થયા છે.એમસીઆઈના નિયમ મુજબ મેડિકલમાં પ્રવેશ માટે જે તે બોર્ડના ધો.૧૨ સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયમાં ૫૦-૫૦ ટકા માર્કસ હોવા જોઈએ અને ઓવરઓલ પણ ૫૦ ટકા હોવા જોઈએ.

પરંતુ આ વર્ષે નીટમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ માર્કસ મેળવ્યા છે અને મેડિકલમાં પ્રવેશ મળી શકે તેમ છે પરંતુ ગુજરાત બોર્ડની ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં નાપાસ થયા છે.

આવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેઓને હવે આ વર્ષે મેડિકલ કે પેરામેડિકલ સહિતના કોર્સમા પ્રવેશ નહી મળે.આ મુદ્દે કેટલાક વાલીઓએ એડમિશન કમિટીને રજૂઆત પણ કરી હતી અને અગાઉ પણ કેટલાક વાલીઓએ સરકારને રજૂઆત કરીને ગ્રેસિંગ આપી વિદ્યાર્થીઓને પાસ કરવા રજૂઆત કરી હતી.

વાલીઓની ફરિયાદ છે કે કોચિંગ કલાસીસો બોર્ડ પરીક્ષાની તૈયારી કરાવતા નથી અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જતા નથી અને માત્ર કોચિંગ કલાસીસમાં નીટની તૈયારી કરાવે છે અને કલાસીસો સ્કૂલો સાથે ટાઈઅપ કરી લે છે અને વિદ્યાર્થીઓ પણ નીટમાં સારા માર્કસ લાવવા તરફ જ ધ્યાને આપે છે.

(1:35 pm IST)