Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જિલ્લા પંચાયતના બાગીઓને ગેરલાયક ઠેરવવાની માંગ ફગાવાતા ખાટરિયા જુથ હવે હાઈકોર્ટ ભણી

૧૯મીની સામાન્ય સભા પૂર્વે રાજકીય-કાનૂની લડાઈનો નવો દોર

રાજકોટ, તા. ૮ :. જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૧૮ બળવાખોરો પૈકી ૧૧ સામે પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ નામોનિર્દેશ અધિકારી સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ પગલા લેવા કેસ દાખલ કરેલ. સક્ષમ અધિકારીએ બાગીઓને ગેરલાયક ઠેરવવાની માંગ ફગાવી દેતો ચુકાદો જાહેર કરતા હવે ખાટરિયા જુથે હાઈકોર્ટમાં ધા નાખવાનંુ નક્કી કર્યુ છે. કાનૂની સલાહ લેવા અર્જુન ખાટરિયા, પરસોતમ લુણાગરિયા, નાનજીભાઈ ડોડિયા વગેરે આજે અમદાવાદ દોડી ગયા છે. ૧૯મીની સામાન્ય સભા મળે તે પૂર્વે જિલ્લા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત રાજકીય અને કાનૂની લડત શરૂ થઈ રહી છે.

ગયા જુલાઈમાં કોંગ્રેસના ૨૨ સભ્યોએ પાર્ટીના આદેશ વિરૂદ્ધ ભાજપના ટેકાથી સમિતિઓ કબ્જે કરેલ. તેમાથી ૧૧ જેટલા સભ્યો પાર્ટીલાઈનમા પાછા ફરતા તેમને માફી આપી બાકીના ૧૧ સામે પક્ષાંતર ધારા મુજબ ગેરલાયક ઠેરવવા અરજી કરવામાં આવેલ. જેમાં પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી, કારોબારી અધ્યક્ષ રેખાબેન પટોળીયા વગેરેનો સમાવેશ થાય છે. વખતોવખતની સુનાવણી અને કાનૂની દાવપેચના અંતે નામોનિર્દેશ અધિકારીએ ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ગેરલાયક ઠેરવી શકાય તેવા પુરતા પુરાવા ન હોવાનું જણાવી ખાટરિયા માંગ નકારવામાં આવી છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે ભાજપમા જોડાયેલા કોંગી સભ્યોના પક્ષાંતર ધારા અંગે અમે મજબુત પુરાવાઓ આપ્યા હતા. હવે આ પુરાવાઓને આધારે હાઈકોર્ટમાં ધા નાખશું. અમને ન્યાય તંત્ર પર પુરો ભરોસો છે. ભાજપ સામે લડતા આવ્યા છીએ અને લડતા રહેશું. ભાજપ પાસે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકે તેટલુ સંખ્યા બળ જ નથી.

(11:51 am IST)