Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા મંગળવારે વેપાર-ઉદ્યોગ સંગઠનોની મીટીંગ

ધંધાર્થીઓને આયાત-નિકાસ, જીએસટી, એકાઉન્ટીંગ અંગે માર્ગદર્શન આપવા વિશેષ વર્ગોનું આયોજન : 'ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો' પુસ્તકનું થશે વિમોચન

રાજકોટ તા. ૮ : સૌરાષ્ટ્રમાં શિક્ષિત યુવાનોને કેરિયર બનાવવામાં માર્ગદર્શન આપવા સાથે મદદરૂપ થવા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા લાંબા સમયથી યુપીએસસી, જીપીએસસી, વર્ગ-૩દ્ગક સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સ્પોકન ઈંગ્લીશના કલાસીસ ચલાવવા ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃતિઓ, યોગા સેન્ટર, ફિઝિયો થેરાપી સેન્ટર વગેરે પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે.

જેમાં હવે વિદ્યાર્થીઓ ઉપરાંત વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ મદદરૂપ થવા આયાત નિકાસ, જીએસટી એકાઉન્ટીંગને લગતા કલાસીસ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. આ માટે તા. ૧૧ ના મંગળવારે વ્યાપાર ઉદ્યોગ સંગઠનોની એક મીટીંગ યોજવામાં આવી છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા સિનિયર ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યા મુજબ માત્ર લેઉવા પટેલ જ નહીં પરંતુ વ્યાપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકોને આયાત-નિકાસ સાથે જીએસટી, એકાઉન્ટીંગને લગતું કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે દર શનિ-રવિવારે ખાસ કલાસીસનું આયોજન કરવામાં આવેલ છે.

સરદાર પટેલ ભવન, ચોથો માળ, ચન્દ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યુ માયાણીનગર,માલવિયાનગર પોલીસ સ્ટેશન વળી શેરી, મવળી પ્લોટ, રાજકોટ, ફોન ૦૨૮૧- ૨૩૭૦૧૦૧/૨ ખાતે સંપર્ક કરી શકાશે.

આગામી તા.૧૧ ના સાંજે ૭ વાગ્યે સરદાર ભવન ખાતે મીટીંગ યોજેલ છે.

દરમિયાન રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન,  શાપર, મેટોડા, કિચનવેર, હાર્ડવેર, મશીનટુલ્સ, લઘુ ઉદ્યોગોના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સહિત વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આયાત-નિકાસ તથા જીએસટી, એકાઉન્ટીંગના કલાસીસનો તમામ સમાજના લોકો ઉપરાંત ઉભરતા નવા ધંધાર્થી, છાત્રો વગેરે વધુને વધુ લાભ લે તે માટે આયોજન ઘડી કાઢવામાં આવશે.

તા.૧૧ ના યોજાનાર કાર્યક્રમમાં વ્યાપર ઉદ્યોગ ક્ષેત્રના તમામ સંગઠનોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

આયાત-નિકાસ તથા જીએસટી એકાઉન્ટને લગતા કલાસીસ દર શનિવારે સાંજે ૬ થી ૯ અને રવિવારે સવારે ૯ થી ૧૨ યોજાશે.

આ કલાસીસમાં નિવૃત અધિકારીઓ ઉપરાંત સંબંધિત વિભાગોના નિષ્ણાતો પ્રેકટીકલ સાથે માર્ગદર્શન આપશે.

દરમિયાન આ કાર્યક્રમની સાથે પુસ્તક 'ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો' નું વિમોચન સૌ.યુનિ.ના કુલપતિ નીતિનભાઇ પેથાણીના હસ્તે કરાશે. જેમાં જીપીએસસી, યુપીએસીસ અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયુ છે.

(11:50 am IST)