Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ભીસ્તીવાડના હકુભાના બે પુત્રોનો રાત્રે ટોળકી સાથે બજરંગવાડીમાં આતંકઃ વ્યાજ માટે જાહીદને ફટકારી તેની પત્નિના કપડા ફાડ્યા!

૨૫મીએ તોપખાનાના તવક્કલબેન અને તેના પતિએ વ્યાજખોરીથી ત્રાસી ઝેર પીતા મુસ્તુફા સહિતની સામે ગુનો નોંધાયો'તોઃ હવે તવક્કલબેના ભાઇ પર હુમલોઃ મુસ્તુફા ખિયાણી, અબ્દુલ ખિયાણી અને છ અજાણ્યાએ જુદા-જુદા વાહનોમાં આવી ધમાલ મચાવીઃ ગાંધીગ્રામ પોલીસે શોધખોળ આદરીઃ તારા બહેન-બનેવીને તે મદદ કરી છે, હવે પૈસા પણ તારે આપવા પડશે...નહિતર જીવ જશે તેવી ધમકી પણ દીધી

રાજકોટ તા. ૮: તોપખાનાના મુસ્લિમ મહિલા તવક્કલબેન અને તેના પતિ ખાલિદબક્ષ શેખએ ગત ૨૫મીએ વ્યાજખોરી અને ધમકીથી ત્રાસી જામનગર રોડના બગીચામાં પોતાના પતિ સાથે ઝેર પીધું હતું. આ મામલે જે તે વખતે પોલીસે ભીસ્તીવાડના હકુભાના દિકરા મુસ્તુફા સહિતના સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મહિલાનું તોપખાનાનું મકાન પણ નામચીન હકુભાના પુત્ર મુસ્તુફાએ પડાવી લીધું હોઇ તેણી પતિ બાળકો સાથે બજરંગવાડીમાં પિતા-ભાઇના ઘરે રહે છે.  મનીલેન્ડની અગાઉની ફરિયાદનો ખાર રાખી ગત રાતે મુસ્તુફાએ તેના ભાઇ અને બીજા છ શખ્સોની ટોળકી સાથે મળી ફરીથી આતંક મચાવી બજરંગવાડીમાં તવક્કલબેનના ભાઇ જાહીદ શેખના ઘરે પહોંચી તેની પાસે વ્યાજની ઉઘરાણી કરી ધોકા-પાઇપથી ફટકારી તેમજ તેની પત્નિના કપડા ફાડી નાંખી તેને પણ ધોકો ફટકારી આતંક મચાવી પૈસા નહિ આપો તો જીવ જશે...તેવી ધમકી આપતાં આ પરિવાર ફફડી ઉઠ્યો છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આ બારામાં બજરંગવાડી-૧૫માં રહેતાં જાહીદ મહમદહુશેન શેખ (ઉ.૨૮) નામના સિપાહી યુવાનની ફરિયાદ પરથી ભીસ્તીવાડના નામચીન હકુભા ખિયાણીના બે પુત્રો મુસ્તુફા ખિયાણી તથા અબ્દુલ અને છ જેટલા અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૮૬, ૩૨૩, ૪૫૪, ૪૫૨, ૩૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

જાહીદના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છું અને સ્કૂલવેન હંકારી ગુજરાન ચલાવું છું. બે ભાઇ અને ત્રણ બહેનોમાં હું નાનો છું. મારા મોટા બહેન તવક્કલબેનના લગ્ના ખાલીદબક્ષ ઇલાહીબક્ષ શેખ (રહે. તોપખાના) સાથે થયા છે. મારા લગ્ન મીઠાપુરની દિલશાદ સાથે બે વર્ષ પહેલા થયા છે. રાત્રીના અગિયારેક વાગ્યે હું, મારી પત્નિ દિલશાદ અને મારો ભાઇ શબ્બીર, તેના પત્નિ રૂબીના તથા મારા પિતાજી મહમદહુશેન ઘરે હતાં. તે વખતે ભીસ્તીવાડમાં રહેતો મુસ્તુફા હકુભા ખિયાણી, અબ્દુલ હકુભા ખિયાણી તથા છએક અજાણ્યા શખ્સો હોન્ડા, એકટીવા અને એકસેસ પર હાથમાં પાઇપ-ધોકા સાથે આવ્યા હતાં.

મુસ્તુફા અને અબ્દુલે પહેલા મારા બંને પગે ધોકા-પાઇપના ઘા ફટકારી દીધા હતાં. એ પછી તેની સાથેના માણસોએ પણ માર માર્યો હતો. ઓચિંતા હુમલાથી ગભરાઇને મારો ભાઇ, તેની પત્નિ, મારી પત્નિ એમ બધા રૂમમાં પુરાઇ ગયા હતાં અને મારથી બચવા અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. આ વખતે મુસ્તુફા અને અબ્દુલે કહેલ કે-તારી બહેન તવક્કલે અમારા તથા શહેનાઝ ઉપર કેસ કર્યો છે, તેને તું શું કામ મદદ કરીને તારા ઘરે રાખે છે? હવે તારા બેન-બનેવી પૈસા નહિ આપે તો તારે આપવા પડશે, તે કઢાવવા અમે બધુ કરી શકીએ છીએ, રૂપિયા તો તમારે આપવા જ પડશે. નહિતર જાન ખોવાનો વારો આવશે.

એ પછી મુસ્તુફાએ ઘર ખોલાવી મારી પત્નિએ પહેરેલા કપડા ફાડી નાંખ્યા હતાં અને તેને પણ ડાબા પગે ધોકો ફટકારી દીધો હતો. મારા ભાઇએ ૧૦૦ નંબરમાં ફોન કરી દીધો હતો. એ દરમિયાન દેકારો થવાથી આજુબાજુના માણસો પણ ભેગા થઇ જતાં મુસ્તુફા, અબ્દુલ સહિતની ટોળકી ભાગી ગઇ હતી. વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આ તમામે આતંક મચાવ્યો હતો. મારી બહેનનું મકાન પણ આ શખ્સોએ પડાવી લીધું છે. તેમજ બળજબરીથી પૈસા કઢાવવા આખા પરિવારને મોતના ભયમાં મુકી ધમકી આપી ભાગી ગયા હતાં.

ઉલ્લેખનિય છે કે હજુ ૨૭/૫/૧૯ના રોજ જાહિદના પિતા બજરંગવાડી-૧૫માં હુશેની ચોક મલેક મંજીલ ખાતે રહેતાં ૬૮ વર્ષના મહમદહુશેન અબ્દુલસતાર શેખએ પ્ર.નગર પોલીસમાં શહેનાઝ જૂણેજા, મોમીનબેન, કાસમ અધામ, અલ્તાફ અધામ અને મુસ્તુફા ખિયાણી સામે મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

મહમદહુશેને જણાવ્યું હતું કે તેમની દિકરી તવકકલ તથા જમાઇ ખાલીદબક્ષ  સંતાનો સાથે કેટલાક દિવસથી તેમની સાથે રહેવા આવ્યા છે. ૨૫/૫ના રોજ  દિકરી તવકકલ તથા જમાઇએ અમરજીતનગરના બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. બંનેને સરકારી દવાખાને ખસેડાયા હતાં. ત્યારે સારવાર દરમિયાન દિકરીને પુછતાં તેણે કહ્યું હતું કે પોતે અગાઉ તોપખાનામાં રહેતાં હતાં ત્યારે કપડાનો ધંધો કરવા માટે ભીસ્તીવાડની શહેનાઝ જૂણેજા પાસેથી ધંધા માટે ૧ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતાં. એ પછી જામનગર રોડ હુડકોના કાસમ પાસેથી ૧ લાખ ૧૦ ટકે, ભીસ્તીવાડના મુસ્તુફા પાસેથી ૨૦ હજાર લીધા હતાં અને વ્યાજ ભરતાં પણ બાદમાં ધંધામાં મંદી આવતાં વ્યાજ ન ભરી શકતાં આ બધાએ ઘરે આવી ઉઘરાણી કરી ધમકીઓ આપી હતી. મુસ્તુફાએ ચડત વ્યાજની પણ ઉઘરાણી કરી હતી અને કવાર્ટરનો કબ્જો કરી લીધો હતો. આ બધાના ત્રાસથી પોતે કવાર્ટર ખાલી કરવા મજબુર થયા હતાં.

અગાઉની ફરિયાદનો ખાર રાખી હવે મુસ્તુફાએ તેના ભાઇ અને ટોળકી સાથે મળી તવક્કલબેનને મદદ કરનાર તેના ભાઇ પર હુમલો કરી આતંક મચાવ્યો છે. ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ જે. એસ. હુંબલે ગુનો નોંધ્યો હતો. વિશેષ તપાસ પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતના સ્ટાફે હાથ ધરી છે.

(11:48 am IST)
  • કોર્ટ પટાંગણમાંથી મેભલો રફુચક્કર રાજકોટ કોર્ટના પટાંગણમાંથી ઈભલાનો ભાઈ મેભલો ફરાર થઈ જતાં પોલીસની દોડધામ access_time 5:45 pm IST

  • ગોવાનું એરપોર્ટ બંધ કરી દેવાયું મીગ-૨૯ ફાઈટર વિમાનમાંથી બળતણ લીક થતાં અને સળગતા ગોવાનું એરપોર્ટ કામચલાઉ બંધ કરવામાં આવેલ access_time 5:47 pm IST

  • દક્ષિણ ચીની સમુદ્રમાં રશિયા-અમેરિકાના યુધ્ધ જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ દક્ષિણ ચીની સમુદ્રમાં દુનિયાની બે મહાસતા રશિયા-અમેરિકાના જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ બંને દેશો વચ્ચે હાકલા-પડકારા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે access_time 11:22 am IST