Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ક્રાઇમ બ્રાંચે સાતડા ગામેથી નિતેશ ઉર્ફ નીતીયા કોળીને ૨.૮૭ લાખના દારૂ સાથે દબોચ્યોઃ ધવલ પૂજારાની શોધ

એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ ધાખડા અને ટીમનો દરોડોઃ ધવલ અગાઉ પણ દારૂમાં પકડાયો હતો : ભકિતનગર પોલીસે ઘનશ્યામનગરના અશોક કાઠીને ૪૮ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૮: પોલીસે બુટલેગરો પર ફરીથી ધોંસ બોલાવી છે. કુવાડવાના સાતડા ગામની સીમમાં એક વાડીમાં દરોડો પાડી આ વાડી વાવવા રાખનાર કોળી શખ્સને રૂ. ૨,૮૭,૫૨૦ના ૬૬૦ બોટલ દારૂ સાથે દબોચ્યો છે. આ દારૂ રાજકોટના ચુનારાવાડના બુટલેગરે ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. બીજા દરોડામાં ભકિતનગર પોલીસે ઘનશ્યામનગરના કાઠી શખ્સને ૪૮ બોટલ દારૂ સાથે પકડ્યો છે.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ એમ. ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે સાતડા ગામની સીમમાં આવેલી અરજણભાઇ લોખીલની વાડીમાં દરોડો પાડી આ વાડી વાવવા રાખનાર નિતેશ ઉર્ફ નિતીયો સવાભાઇ મેઘાણી (કોળી) (ઉ.૩૫-રહે. સાતડા)ને રૂ. ૨,૮૭,૫૨૦ના ૬૬૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

પોલીની પુછતાછમાં નિતેશ ઉર્ફ નિતીયાએ આ દારૂ તેના મિત્ર ચુનારાવાડ શાક માર્કેટ પાસે રહેતાં ધવલ પૂજારાએ ઉતાર્યો હોવાનું કબુલતાં ધવલની શોધખોળ થઇ રહી છે. ધવલ અગાઉ પણ દારૂ સાથે પકડાઇ ગયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

બીજા દરોડામાં એસીપી એસ.આર. ટંડેલ તથા પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, કોન્સ. મયુરસિંહ પરમાર, મયુરભાઇ ઠાકર, યશપાલસિંહ, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શીરોડીયા સહિતે ઘનશ્યામનગર મેઇન રોડ પર બાલુડા હનુમાન મંદિર પાસે રહેતાં અશોક વલુકભાઇ ખાચર (કાઠી)ના ઘરમાં દરોડો પાડી તેને રૂ. ૨૪૦૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(11:47 am IST)