Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સોમવારથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

ફી નિર્ધારણની અસર ખાનગી શાળામાં નહિવત.... તોતીંગ ફી વધારાથી વાલી વર્ગ લાચાર... સુરક્ષાના સાધનો પ્રશ્ને મૌન.... ૧૧૨ દિવસનું પ્રથમ સત્ર : ૨૫ ઓકટો.થી દિવાળી વેકેશન

રાજકોટ, તા. ૮ : છેલ્લા દોઢ માસથી ઉનાળા વેકેશનની મજા માણતા વિદ્યાર્થીઓ માટે આવતીકાલે વેકેશનનો અંતિમ દિવસ છે અને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કર્યુ હતું તેમાં ૮ દિવસનું નવરાત્રીનું વેકેશન જાહેર કર્યુ હતું પરંતુ રાજય સરકારે તે રદ્દ કરી નાખ્યુ છે. ટૂંક સમયમાં નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થનાર છે.

રાજયની તમામ શાળાઓમાં તા.૧૦-૬-૨૦૧૯ના સોમવારથી તા.૨૪-૧૦-૨૦૧૯ સુધી પ્રથમ શૈક્ષણિક સત્ર રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૧૨ દિવસનું રહેશે. તા.૨૫-૧૦-૨૦૧૯થી ૬-૧૧-૨૦૧૯ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ અનેક સમસ્યાઓથી ઘેરાયા છે. તેમાં ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓ સારૂ શિક્ષણ મેળવે તે માટે ફી અધિનિયમ કાયદો લાવ્યા છે. પરંતુ તેનો અમલ માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. તમામ સ્કુલોએ અગાઉની ફી કરતાં ઓછી કરી નથી. અનેક સ્કુલોએ તો ફી વધારો કાયદેસર કરાવ્યો છે તો કેટલાક લાગવગ ધરાવતા મોટા ખાનગી શાળા સંચાલકો તો ફી સમિતિએ જાહેર કરેલ ફી કરતાં પણ જાહેરમાં વધુ ફી લ્યે છે. વાલીઓની રજૂઆતનું પરિણામ પણ કશુ ન આવતો હોવાનો બળાપો વાલીઓ ઠાલવે છે.

સુરતની આગની ઘટનામાં ૨૨ માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા ત્યારે  રાજય સરકારે કડક વલણ અપનાવી તમામ શાળા - કોલેજો અને ટ્યુશન કલાસીસમાં સુરક્ષાના તમામ સાધનો રાખવા અને એનઓસી મેળવવા તાકીદ કરી હતી. હજુ અનેક શાળા - કોલેજો અને ટ્યુશનોમાં સુરક્ષાના સાધનો ન હોવાની બૂમ ઉઠી છે.

(11:46 am IST)