Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

આજી નદીની સફાઇ પૂર્ણ : બંછાનિધી

પ્રિ-મોન્સૂન કામગીરીને પૂર્ણ જાહેર કરતા મ્યુ. કમિશ્નર : વોકળા તથા ડ્રેનેજ - સ્ટોર્મ વોટરના મેન હોલ સાફ કરાયા

રાજકોટ તા. ૮ : કોર્પોરેશન દ્વારાઆગામી ચોમાસાને નજર સમક્ષ રાખી થોડા સમય પૂર્વે તૈયાર કરાવેલ પ્રિમોન્સૂન એકશન પ્લાન હેઠળ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને વરસાદ દરમ્યાન સ્ટોર્મ વોટરનો ઝડપભેર નિકાલ થતો રહે તે માટે ડ્રેનેજ મેનહોલ અને સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. જે ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં ઓલમોસ્ટ પૂર્ણ થઇ ચુકી છે. તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે,, વેસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧, અને ૧૨ ના વિસ્તારોમાં કુલ ૧૩૦૦૦ જેટલા ડ્રેનેજ મેનહોલ અને ૪૬૮૦ જેટલા સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જયારે સેન્ટ્રલ ઝોન હેઠળ સમાવિષ્ટ વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭મા ૭૯૭૨ ડ્રેનેજ મેનહોલ અને ૨૪૫૯ જેટલા સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈ પુરી કરી લેવામાં આવેલ છે. તેમજ પૂર્વ ઝોનમાં આવતા વોર્ડ નં. ૪,૫,૬,૧૫,૧૬, અને ૧૮ માં ૮૫૨૩ જેટલા ડ્રેનેજ મેનહોલ અને ૨૮૭૪ જેટલા સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

અત્રે એ યાદ અપાવીએ કે તાજેતરમાં જ મ્યુનિ. કમિશનરશ્રીએ ૧૫૦ ફુટ રીંગ રોડ પર (BRTS) વરસાદ સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે નાના મવા ચોક, ઉમિયા ચોક અને રૈયા ચોકમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી, જેનું નિરાકરણ માટે બી.આર.ટી.એસ. રૂટ પરનું ઉપરોકત ત્રણેય ચોકમાં લેવલ નીચે ઉતારી વરસાદી પાણીનો નિકાલ પૂર્વ થી પશ્વિમ તરફ ઝડપથી થઇ શકે તે માટે કામગીરી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઉમિયા ચોકમાં કામગીરી પૂર્ણ કરાયેલ છે. નાના મવા ચોક અંદાજે ૧'-૬' (દોઢ ફુટ) નીચે ઉતારવાની કામગીરી પૂર્ણ થયેલ છે. વધુમાં, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પણ કરવામાં આવેલ છે.

જેમાં મવડી ચોકમાં ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવામાં આવેલ છે. નાના મવા ચોકમાં ચોક નીચે ઉતારવા સાથે ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવામાં આવેલ છે. રૈયા ચોક નીચે ઉતારી ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. મીલેનીયમ હાઇ રાઇઝ સામે વરસાદી પાણીના નિકાલ માટે બી.આર.ટી.એસ. રૂટના ડીવાઇડર સ્ટોન કાઢવાની કામગીરી હાથ ધરાયેલ અને હવે મહદ્દઅંશે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે.

વિશેષમાં એ પણ યાદ અપાવીએ કે, તાજેતરમાં રાજયવ્યાપી સુફલામ સુજલામ જળ અભિયાન દરમ્યાન મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ આજી નદી અને શહેરના તમામ વોંકળાની સઘન સફાઈ કરવામાં આવી હતી, જેથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઇ શકે.(૨૧.૨૮)

(3:49 pm IST)