Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મહાજન ટ્રસ્ટીઓની બેઠકમાં નિર્ણય

લોહાણા મહાજનની ચૂંટણી ૮ જુલાઇએ યોજાશે

ફોર્મ ભરવાની તારીખ ર૮ જૂન તથા ૩૦ જુન સુધીમાં ભરેલ ફોર્મ પરત ખેંચી શકાશે : કેસરીયાવાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૮ થી સાંજના પ દરમ્યાન બેલેટ પેપરથી મતદાન થશે

રાજકોટ તા. ૮ :.. લોહાણા મહાજન રાજકોટના હયાત ટ્રસ્ટીઓની આજરોજ મળેલ મીટીંગમાં ૮ જૂલાઇ રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજના પ વાગ્યા દરમ્યાન કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ચુંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. ચૂંટણીમાં ફોર્મ ભરવાની તારીખ ર૮ જૂન તથા ભરેલું ફોર્મ પરત ખેંચવાની તારીખ ૩૦ જૂન નકકી થઇ હોવાનું જાણવા મળે છે.

ટ્રસ્ટીઓની મીટીંગમાં નકકી થયા મુજબ ફકત પ્રમુખની જ ચૂંટણી કરવાની છે. ત્યારબાદ ચૂંટાયેલ પ્રમુખ પોતાની સમગ્ર કારોબારી નકકી કરશે તેવું જાણવા મળે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિડીયોગ્રાફી - ફોટોગ્રાફી કરવી તથા મહાજનના હયાત ટ્રસ્ટીઓમાંથી બે ટ્રસ્ટીઓ તથા ચેરીટી કમિશ્નર રાજકોટમાંથી એક પ્રતિનિધિ હાજર રહે તેવું નકકી થયાનું જાણવા મળે છે. ત્રણ નિરીક્ષકો તરીકે રામભાઇ બરછા, સુરેશભાઇ ચંદારાણા તથા શાંતનુભાઇ રૂપારેલીયા, રહેશે તેવું પણ પ્રાથમિક તબ્બકે નકકી થયું છે. ટ્રસ્ટીઓની આજની મીટીંગમાં કુલ ૧૪ હયાત ટ્રસ્ટીઓમાંથી ૯ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.

દરમિયાન ચૂંટણી પ્રક્રિયા જાહેર થયાના પ્રતિભાવમાં હાલના મહાજન ઉપપ્રમુખ રમેશભાઇ ધામેચાએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ માત્ર પ્રમુખની જ ચૂંટણી કરવામાં આવે તે  કદાચ બંધારણની વિરૂધ્ધ હોઇ શકે. હકિકતમાં તો સૌથી પહેલા સભાસદોની નોંધણી કરવી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વધુમાં રમેશભાઇએ ઉમેર્યું હતું કે ફોર્મ ભરતી વખતે પ્રમુખપદના ઉમેદવાર તેના તમામ ૧ર૧ કારોબારી સભ્યોનું લીસ્ટ આપે તો જ ચૂંટણીમાં પારદર્શકતા અને ગુણવતા જળવાય. બાકી તો ચૂંટાયેલા પ્રમુખ (સત્તાધારી) ની પડખે તો એક યા બીજી રીતે કોઇપણ લાગતા-વળગતા માણસો ચઢી જાય.

પરિણામે સંનિષ્ઠ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા માણસો આપોઆપ સમાજથી દુર થઇ જાય. અંતે નુકશાન તો જ્ઞાતિને જ જવાનું છે.

આજ રોજ મળેલી મહાજન ટ્રસ્ટીઓની મીટીંગમાં થયેલી કર્ણોપકર્ણ ચર્ચા પ્રમાણે ચૂંટણીમાં માત્ર ૯૦૦ થી ૧૦૦૦ જ્ઞાતિજનો જ હાજર રહે. પરંતુ રાજકોટમાં લોહાણા સમાજની આશરે અઢી લાખ જેટલી વસ્તી જોતાં અને ૧૮ વર્ષથી ઉપરના મતદારો જોતા ઓછામાં ઓછા ૧૦ થી ૧પ હજાર જેટલા મતદારો હાજર રહે તેવી શકયતા નકારી   ન શકાય.

સમાજમાં અનિવાર્ય અનિષ્ટ તરીકે આવી પડેલી આ ચૂંટણી સંદર્ભે આજની ટ્રસ્ટીઓની મીટીંગના અંતે અમુક ટ્રસ્ટીઓ એવી પણ ચર્ચા કરતા હતા કે પ્રમુખપદે રહેલ અગ્રણીએ ચોકકસ સંજોગોમાં જો બંધારણ વિરૂધ્ધ કાર્યો કર્યા ન હોત તો આજે આ ચૂંટણીની નોબત આવી ન હોત.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મતદાન માટે નકકી થયેલ કેસરીયા લોહાણા મહાજનવાડી કાલાવડ રોડનું સ્થળ મતદાન સુવિધા, સમાજની વસ્તી, પાર્કીંગ સમસ્યા સહિતના કારણોને લીધે કોઇ કાળે બંધબેસતું નથી તેવું પણ  દેખાઇ રહ્યું છે. (પ-રર)

(3:37 pm IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST