Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પોલીસ-કોંગી કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીઃ ટીંગા ટોળી કરીઃ ૧૭ની અટકાયત

કોર્પોરેશન કચેરીમાં ઓપો - વિવોના ગેરકાયદે હોર્ડીંગ્સ મુદ્દે વિપક્ષી નેતાના ધરણામાં ધમાલ : ભાજપ હાય... હાય... : કમિશ્નર ભાજપના પોપટ જેવા નારા લગાવી કમિશ્નર ચેમ્બરમાં ઘુસવાનો કોંગી કોર્પોરેટરો અને આગેવાનોએ પ્રયાસ કરતા મામલો : બિચકયો : મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઇ સાગઠિયા, કેયુર મસરાણી, પ્રભાત ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા સહિત ૧૭ આગેવાનોની ધરપકડ

ધરણા - ધમાલ અને ટીંગાટોળીના દ્રશ્યો : વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઓપ્પો - વિવો મોબાઇલ કંપનીના ગેરકાયદે હોર્ડીંગ બોર્ડના આક્ષેપો સાથે મ્યુ. કમિશ્નર ચેમ્બર સામે ધરણાનો કાર્યક્રમ આજે સવારે ૧૧ વાગ્યે યોજાયો હતો તે વખતે ધમાલ અને ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. તે વખતની પ્રથમ તસ્વીરમાં કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ મહેશ રાજપૂત, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી વગેરે આગેવાનો ધરણા પર બેસી નારેબાજી લગાવી રહેલા દર્શાય છે. બાજુની તસ્વીરમાં કમિશ્નર ચેમ્બર બહાર તમામ કોંગી આગેવાનોને વિજીલન્સ વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી ઝાલાએ અટકાવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા તે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં પોલીસે ધરણાના કાર્યક્રમ વખતે અટકાયતનો દોર શરૂ કરતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાને ટીંગાટોળી કરીને લઇ જતા પોલીસ જવાનો નજરે પડે છે તથા મહેશ રાજપૂત, કેયુર મસરાણી, પ્રભાતભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જશવંતસિંહ ભટ્ટી વગેરેની અટકાયત વખતે સર્જાયેલા ઝપાઝપીના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : શહેરભરના રાજમાર્ગો - બિલ્ડીંગોમાં મોબાઇલ કંપની ઓપો અને વીવો દ્વારા બેફામ રીતે ગેરકાયદે હોર્ડીંગ્સ બોર્ડ લગાવી દેવાયાના આક્ષેપો સાથે આજે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાની આગેવાનીમાં મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અને કોંગી કોર્પોરેટરો તથા આગેવાનો વચ્ચે ઝપાઝપી - ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા તેમજ કચેરીમાં તંગદિલી સર્જાઇ હતી. 

આ અંગેની વિગતો મુજબ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ગઇકાલે જાહેર કર્યા મુજબ આજે સવારે ૧૧.૩૦ વાગ્યે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુ. કમિશ્નર ચેમ્બર સામે ૩૦ થી ૪૦ કોંગી કોર્પોરેટરો આગેવાનો સાથે ધરણા યોજ્યા હતા.

શ્રી સાગઠિયાએ આ ધરણાનો કાર્યક્રમ શહેરભરમાં લગાવાયેલ ઓપ્પો - વિવોના હોર્ડીંગ્સ બોર્ડ ગેરકાયદે લગાવેલ છે અને ૨૭૫થી વધુ આ પ્રકારના ગેરકાયદે હોર્ડીંગ બોર્ડ લગાવી પ્રજાની તિજોરીને ૮ થી ૯ કરોડનું નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે યોજવામાં આવ્યો હતો.

ધરણા દરમિયાન કોંગી આગેવાનો - કોર્પોરેટરોએ શાસક પક્ષ ભાજપ વિરૂધ્ધ ભાજપ હાય... હાય..., મ્યુ. કમિશ્નર ભાજપના પોપટ, કમિશ્નર હાય.. હાય... જેવા નારા લગાવી શાસકોની નીતિ-રીતિ સામે ઉગ્ર વિરોધ દર્શાવી આ મુદ્દે મ્યુ. કમિશ્નરને સંબોધી વિસ્તૃત આવેદનપત્ર પાઠવી અને ઉપરોકત ગેરકાયદે હોર્ડીંગ બોર્ડની કરોડોની 'ફી' વસુલવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

ધરણા બાદ કોંગી કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા મ્યુ. કમિશ્નરની ચેમ્બરમાં ઘુસવા પ્રયાસ કરતા પોલીસ અને કોંગી

આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા વાતાવરણ તંગ બની ગયું હતું. અંતે પોલીસે આ કોંગી આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશને લઇ જઇ અટકાયત કાર્યવાહી કરી હતી.

પોલીસ દ્વારા જે કોંગી અગ્રણીઓની ધરપકડ કરી હતી તેમાં મહેશભાઇ રાજપૂત - કાર્યકારી પ્રમુખ, વશરામભાઇ સાગઠીયા - વિરોધ પક્ષના નેતા, જશવંતસિંહ ભટ્ટ - પૂર્વ પ્રમુખ રાજકોટ કોંગ્રેસ, નિલેશભાઇ મારૂ - કોર્પોરેટર, ઘનશ્યામસિંહ જાડેજા - કોર્પોરેટર, તુષારભાઇ નંદાણી, ભાવેશભાઇ બોરીચા, મનીષાબા વાળા - મહિલા કાર્યકારી પ્રમુખ, હિરલબેન રાઠોડ - યુવા મંત્રી, ગોપાલ બોરાણા, પ્રવિણભાઇ સોરાણી, અણંદાભાઇ ચાવડા, મુકેશભાઇ જાદવ, વશરામભાઇ ચાંડપા, પ્રભાતભાઇ ડાંગર, કેયુરભાઇ મસરાણી - પૂર્વ વિપક્ષી નેતા, રાજુભાઇ સરવૈયા વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટરો અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રણજીત મુંધવા, ગૌતમ રાઠોડ, કેતન ઝરીયા, નિલેષ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)