Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બેડી નજીક ખેડૂતોના ચક્કાજામઃ રસ્તા ઉપર દૂધ ઢોળ્યું: શાકભાજી ફેંકયા

ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાયું: સુત્રોચ્ચારો કરાતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

રાજકોટઃ દેશભરમાં ખેડૂતોના આંદોલને જોર પકડયું છે. દેશભરમાં દેખાવો યોજાઈ રહ્યા છે. રસ્તાઓ ઉપર દૂધ ઢોળી અને શાકભાજી ફેંકીને વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારે કોંગ્રેસના એલાન મુજબ રાજકોટની ભાગોળ બેડી માર્કેટીંગ યાર્ડ નજીક માર્ગ ઉપર કોંગી કાર્યકરો અને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. રસ્તાઓ ઉપર દૂધ ઢોળ્યુ હતુ અને શાકભાજી ફેંકયા હતા. બાદમાં કોંગી કાર્યકારો અને ખેડૂતોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચારો કર્યા હતા. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં રસ્તા ઉપર શાકભાજી ફેંકતા અને દૂધ ઢોળતા ખેડૂતો નજરે પડે છે. આ દરમ્યાન રસ્તા ઉપર ભારે ટ્રાફીકજામ થઈ ગયો હતો. પોલીસે મહામહેનતે ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.

રાજકોટ સહિત સમગ્ર ભારતમાં ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. આજે રાજકોટમાં રોડ પર ખેડૂતો એકઠા થયા હતા અને દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ચક્કાજામનો પ્રયાસ કરતા લોકોની પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે આવું આંદોલન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે.

ભાજપ સરકાર ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી આપતી તેવા રોષ સાથે ખેડૂતો અને કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી રસ્તા પર ચક્કાજામ કર્યું હતુ. તેમજ ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે સરકારે જનતાના લાભ છીનવ્યા છે અને સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવ આપે નહિં તો આ આદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:52 pm IST)