Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો. પરીખને પ્રોફેસરમાંથી એસો. પ્રોફેસર બનાવી દેવાયા

બાળકોની હોસ્પિટલને અદ્યતન સુવિધાથી સજ્જ કરનારા ડો. યોગેશ પરીખ આજથી જ પિડીયાટ્રીકના ચાર નવા અભ્યાસ ક્રમ ચાલુ કરી રહ્યા છે તેનું બપોર બાદ ઇન્સ્પેકશન કરવા ટીમ આવવાની છે

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા પ્રોફેસર ડો. યોગેશ પરીખને તેમના હોદ્દા પરથી દુર કરવાનો હુકમ ગાંધીનગરથી થતાં તબિબી આલમમાં ચર્ચા જાગી છે. ડો. પરીખ હાલ સુધી પ્રોફેસરનો હોદ્દો ધરાવતાં હતાં, તેમને એક પાયરી નીચે ઉતારી એસોસિએટ પ્રોફેસર બનાવી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડો. યોગેશ પરિખે ચાર્જ સંભાળ્યા પછી બાળ દર્દીઓને સારામાં સારી સુવિધા મળી રહે તે માટે સતત પ્રયાસો કર્યા હતાં. બાળકો માટેનો ખાસ આઇસીસીયુ વોર્ડ શરૂ કરાવ્યો હતો. જો કે કોઇને કોઇ કારણોસર તે સતત વિવાદમાં રહેતાં હતાં. દર્દીના સગાઓ સાથે કે પછી સ્ટાફ સાથે કે પછી કોઇની પણ સાથે ચડભડ થતી રહેતી હતી. પણ તે કહેતાં કે બાળ દર્દીઓ દાખલ હોય એ વોર્ડમાં લોકો જુતા પહેરીને અને મોબાઇલ સાથે આવી જાય તે બાબત બાળ દર્દીઓને નુકસાનકર્તા હોવાથી પોતે કડક વલણ અખત્યાર કરતાં હોઇ જેથી ચડભડ થતી હતી.

તાજેતરમાં તેણે સિવિલના એકસ-રે વિભાગના છાત્રોના મોબાઇલ ફોન જપ્ત કરી લીધા હતાં અને દિવસો સુધી પાછા ન આપતાં આ વિવાદ ખુબ ચગ્યો હતો. લેખિતમાં માફી માંગવામાં આવે પછી જ ફોન પાછા આપશે તેવું વલણ અપનાવતાં તેમની ખુબ ટીકા થઇ હતી. દરમિયાન બુધવારે ડો. પરીખને પ્રોફેસરમાંથી એસોસિએટ પ્રોફેસર બનાવી દેવાયા છે અને આ અંગેનો હુકમ ગાંધીનગરથી રાજકોટ મેડિકલ કોલેજના ડીનને મળી જતાં તેમણે કાર્યવાહી કરી છે.

ડીન ડો. યોગેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ડો. પરીખને પ્રોફેસરનો પ્રોફેસરનો હોદ્દો છીનવી લઇ એસો. પ્રોફેસર બનાવી દેવાયા છે.

ડો. પરીખ શું કહે છે?

ડો. યોગેશ પરીખે જણાવ્યું હતું કે મારી પાયરી કોઇપણ કારણ વગર ઘટાડી દેવામાં આવી છે. મેં કરેલા સારા કાર્યો કોઇને ખટકયા હશે. હું રાત્રે નવ વાગ્યે પણ હોસ્પિટલમાં હાજર મળી શકુ છું. આજથી જ મેં પિડીયાટ્રીકના ચાર નવા અભ્યાસક્રમ ચાલુ કર્યા છે. જેના માટે ઇન્સ્પેકશન કરવા માટેની ટીમ કેરલા અને બેંગલોરથી આવી રહી છે. હું જીપીએસસી કન્ફર્મ છું. આમ છતાં કોઇપણ કારણ વગર હુકમ થયો છે. હું આજે મારી ફરજ પર હોસ્પિટલમાં હાજર છું. (૧૪.૬)  

(12:44 pm IST)