Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મુસ્લિમ પરિવારનો એકનો એક પુત્ર રાહિલ આજીડેમમાં ગરકઃ બીજા બે બાળકોને છકડો ચાલકે બચાવી લીધા

ગંજીવાડાના જાકીરભાઇ ૧૩ વર્ષના પુત્ર-ભત્રીજા અને પડોશીના બાળકને લઇ ડેમે બાઇક ધોવા ગયા ને દુર્ઘટના સર્જાઇઃ લાડકવાયાના મોતથી પરિવારમાં માતમઃ મૃતક સોમનાથ વિદ્યાલયનો ધોરણ-૮નો વિદ્યાર્થી હતો

રાજકોટ તા. ૮: ગંજીવાડાના મુસ્લિમ પરિવારનો એકનો એક ૧૩ વર્ષનો પુત્ર આજીડેમમાં ગરક થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘટના બની ત્યારે આ બાળક સાથે બીજા બે બાળકો પણ પાણીમાં હતાં. તેને છકડો રિક્ષા ધોઇ રહેલા યુવાને બચાવી લેતાં મોટી દુર્ઘટના અટકી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગંજીવાડા શેરી નં. ૬૫માં રહેતાં અને બંગડી બજારની દુકાનમાં નોકરી કરતાં જાકીરભાઇ સૈયદ ગઇકાલે સાંજે સાડા ચારેક વાગ્યે પોતાના પુત્ર રાહિલ (ઉ.૧૩), ભત્રજીા અરમાન મહેબુબભાઇ (ઉ.૧૫) અને પડોશીના દિકરા આયુષને લઇને આજીડેમે ગયા હતાં. જ્યાં તે પોતાનું બાઇક ધોવા બેઠા હતાં. એ વખતે આ ત્રણેય બાળકો નજીકમાં એક ભાઇ છકડો રિક્ષા ધોઇ રહ્યા હોઇ ત્યાં પાણીમાં છબછબીયા કરવા જતાં એકાએક તેમાં ગરક થવા માંડ્યા હતાં.

આ દ્રશ્ય છકડોચાલક જોઇ જતાં તેણે ઝડપથી બે બાળકોને બચાવી લીધા હતાં. પણ રાહિલ ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં જવાનોએ બહાર કાઢ્યો હતો અને બેભાન હાલતમાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જયદેવભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાહિલ સોમનાથ વિદ્યાલયમાં ધોરણ-૮માં ભણતો હતો. તે એક બહેનથી નાનો અને માતા રીઝવાનાબેન તથા પિતા જાકીરભાઇનો એકનો એક દિકરો હતો. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે. (૧૪.૫)

(12:44 pm IST)