Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કેટલી રકમ ગઇ તેના આંકડા વગર લૂંટની ફરિયાદ દાખલઃ એક મહિના પહેલા જ કુરીયરની ઓફિસ ચાલુ કરી હતી

પહેલા બે શખ્સે આવી ભાવનગર પાર્સલ મોકલવું છે તેવી વાત કરી, જતાં રહ્યા ને દસ મિનિટ પછી ફરી આવી હવે નથી મોકલવું, કાલે મોકલશું...તેમ કહ્યું: ત્યાં ત્રીજો આવ્યો ને ઓફિસનું શટર બંધ કરી દઇ છરીઓ કાઢી : ગોંડલ રોડ બાલાજી કુરિયરની ઘટનામાં મુળ કુતિયાણાના ગઢવાણાના હરજી ભોગાયતાની ફરિયાદ પરથી તપાસઃ ત્રણેય ૨૫ થી ૩૦ વર્ષના હતાં: એકે લાલ શર્ટ કે ટી-શર્ટ, બીજાએ સફેદ શર્ટ, ત્રીજાએ ભુખરો શર્ટ પહેર્યો હતો : જે રોકડનો થેલો લૂંટાયો તે ફરિયાદીના ભાઇ ગોવર્ધનભાઇ કે જે હાલ કોચીન છે તેણે મુંબઇના બબલુભાઇ મારફત મોકલાવ્યો હતોઃ તેમાં કેટલી રકમ હતી તેનાથી ફરિયાદી હરજી અજાણ

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ નજીક વંદના ટ્રેકટર શો રૂમ પાસે આવેલી શ્રી બાલાજી કુરિયરમાં બનેલી લૂંટની ઘટનામાં અંતે માલવીયાનગર પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. જો કે ત્રણ લૂંટારૂ જે કાળો થેલો લૂંટી ગયા તેમાં કેટલી રોકડ હતી તેની વિગત પેઢી સંચાલકના ભાઇ કે જે હાલ કોચીન (કેરલ) હોઇ તેને ખબર હોઇ તે આવ્યા બાદ જાણી શકાશે. પોલીસે કુરીયર પેઢીના સંચાલક કાંગસીયાળીમાં રહેતાં હરજીભાઇ ગોવાભાઇ ભોગાયતા (ઉ.વ ૩૬)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૯૪, ૪૫૨, ૩૪૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ એફઆઇઆર દાખલ કરી છે.

હરજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ કુતિયાણાના ગઢવાણા ગામનો વતની છું. પાંચ્ વર્ષથી રાજકોટ રહુ છું અને એકાદ મહિનાથી જ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસ ચાલુ કરી છે. મેં તા ૫/૫ના સવારના નવેક વાગ્યે મારી ઓફીસ ખોલી હતી. સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો આશરે ૨૫-૩૦ વર્ષની ઉંમરના મારી ઓફીસ ખાતે આવેલ અને મને પુછેલ કે, 'ભાવનગર એક કુરીયર મોકલવાનું છ,ે તો મોકલી આપશો?' જેથી મે કહેલ કે તમે પાંચ દસ મીનીટમા આવતા હોય તો કુરીયર મોકલી આપીશ. જેથી આ બંને જણાએ મને કહેલ કે, એક મોટર ભાવનગર મોકલવાની છે જે આશરે આઠ-દસ કીલો વજનની છે તો ચાર્જ શું થશે? આ વાત કર્યા પછી બંને શખ્સો મારી ઓફીસેથી જતા રહ્યા હતાં. આ બંને કયા વાહનમાં આવ્યા હતાં તેની મને ખબર નથી.

ત્યાર બાદ દસેક મીનીટ બાદ એ બંને ફરીથી મારી ઓફીસ ખાતે આવેલ અને મને કહેલ કે, અમારે પાર્સલ ભાવનગર મોકલવાનુ હતું તે કેન્સલ થયેલ છે અને હવે આવતીકાલે મોકલવાનું છે...તેમ વાતચીત ચાલુ હતી તે દરમ્યાન ત્રીજો એક અજાણ્યો આશરે ૨૫-૩૦ વર્ષની ઉમરનો શખ્સ મારી ઓફીસમાં આવેલ અને તેણે તુરત જ મારી ઓફીસનું શટર બંધ કરી દિધેલ અને નેફામાંથી છરી કાઢી મને કહેલ કે 'અવાજ કરતો નહી ચુપચાપ બેસી રેહેજે. એ દરમિયાન પહેલા આવેલા બે શખ્સોમાંથી  પણ એક શખ્સે નેફા માંથી છરી કાઢી મને પેટના ભાગે રાખી કહેલ કે, 'તારી પાસે જેટલા પૈસા હોય તે અમને આપી દે'. જેથી મે કહેલ કે મારી પાસે કોઇ પૈસા નથી. ત્યારબાદ આ ત્રણેયમાંથી એક શખ્સે મને એક જાપટ મારી મારા ખીસ્સામાંથી પાકીટ કાઢી લીધેલ અને તેમાંથી આશરે રોકડા રૂ. ૭,૦૦૦ જેટલા હતા તે કાઢી લીધેલે

તેમજ મારું એટીએમ કાર્ડ બેન્ક ઓફ બરોડાનું પણ કાઢી લીધેલ અને આ ત્રણેયે  મને'બીજા પૈસા ક્યાં છે? જ્યા હોય ત્યાથી આપી દે' તેમ કહી મને પેટના ભાગે છરી અડાડી દિધેલ જેના લીધે મને ચેકા જેવુ પડી ગયેલ. એ પછી ત્રણેય મારી ઓફીસના ટેબલોના ખાના તપાસવા લાગેલ અને તે દરમ્યાન મારી ઓફીસમાં એક કાળા કલરનો થેલો પડેલ હોય જે થેલો મારા ભાઇ ગોવર્ધનભાઇએ તેમના મિત્ર બબલુભાઇ મુંબઇ આંગ ડીયાવાળા મારફતે મોકલાવેલ હતો. જેમા રોકડા રૂપીયા હતા, જે કેટલા રૂપીયા હતા તેની મને ખબર નથી. આ થેલો ત્રણેયના હાથમાં આવી જતાં બે જણાએ કહેલું કે 'આને ખુરશીમા બાંધી દો'. એ પછી ત્રણેયએ મને ખુરશીમા બેસાડી પ્લાસ્ટીકની દોરી વડે હાથ-પગ  બાંધી દિધેલ અને મોઢામા રૂમાલ બાંધી દઇ રોકડ ભરેલો થેલો લઇને ભાગી ગયા હતાં.

 ત્યાર બાદ મે કોઇપણ રીતે ઢસડાતા ઢસડાતા મારી ઓફીસના ટેબલ પાસે ખાનામાંથી કટર કાઢી પ્લાસ્ટીકની દોરી તોડેલ અને બહાર નિકળીને જોયેલ તો આ ત્રણેય ભાગી ગયેલ હતાં. એ પછી  મેં તુરત જ ૧૦૦ નંબરમા પોલીસને જાણ કરતાં થોડી વારમા પોલીસ પણ ત્યાં આવી ગયેલ હતી. આ ત્રણેય ઇસમો પૈકી એક ઇસમે લાલ કલરનો શર્ટ કે ટી શર્ટ તથા અન્ય એક ઇસમે સફેદ કલરનો શર્ટ અને ત્રીજા ઇસમે ભુખરા કલર જેવો શર્ટ પહેરેલ હતો. આ બનાવ બાબતે હુ બે દિવસથી મારા ભાઇ ગોવર્ધનભાઇ કે જેઓ હાલ કોચીન (કેરલ) ખાતે હાઇ તેમનો કોન્ટેકટ કરતો હતો. પરંતુ તેમનો કોન્ટેકટ થયેલ ન હોવાથી હવે ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ કે. અને. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે તપાસ શરૂ કરી છે.

(11:59 am IST)