Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સદગુરૂ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના ચેક રિટર્ન કેસમાં

લોન ધારકને થયેલ સજાનો હુકમ રદ કરી આરોપીને છોડી મુકવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૮: અત્રે શ્રી સદગુરૂ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. ઠે. ૭, વાણીયાવાડીના એ, રાજકોટ નેગોશીએબલ કોર્ટ તેના કહેવાતા લોન ધારક સુધાબેન ત્રિભોવનદાસ ઉનડકટ ઠે. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, રાજ કોટના સામે રૂ. ૮૦,૦૦૦/-ના ચેક ડીસઓનર સબબ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. જેમાં સમગ્ર ટ્રાયલ બાદ નીચેની અદાલતે સુધાબેન ઉનડકટને ૮ મહિનાની સજા તથા રૂ. ૮૦,૦૦૦/- સોસાયટીને વળતર તરીકે ચુકવવાનો આદશ કરેલ હતો.

ઉપરોકત હુકમ સામે આરોપી સુધાબેન ઉનડકટે રાજકોટ સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. જેમાં કોર્ટે અપીલની વિગતો ધ્યાને લઇ ઠરાવેલ છે કે, ફરીયાદીએ ઉલટ તપાસમાં કબુલ કરેલ છે કે, ફરીયાદવાળા ચેક લોન આપતી વખતે આરોપી પાસેથી પ્રાપ્ત કરેલ અને તે ચેકસ કોરા હતા. કાયદાના પ્રબંધો મુજબ અધુરી વિગતોવાળો ચેક આપવામાં આવેલ હોય, ત્યારે આપનારના ઇરાદાથી વિશેષ રકમ ધારણકર્તા લખી શકતા નથી. અને તેનાથી વિરૂધ્ધ ચેકનો ઉપયોગ કરવાથી કાયદાની પ્રોસેસનો દુરઉપયોગ ગણી શકાય.

ફરીયાદમાં રજુ રાખવામાં આવેલ લોન એકાઉન્ટ પુરવાર કરવામાં અને તે લોન એકાઉન્ટ અન્વયે ચેક આપવામાં આવેલ છે, તે પુરવાર કરવામાં ફરીયાદી નિષ્ફળ રહેલ છે. ફરીયાદીએ રજુ રાખેલ લોન એકાઉન્ટની એન્ટ્રી અને તેના અન્વયે બાકી રહેતું લેણું ચેકની તારીખે હતું તે પુરવાર કરવું જોઇએ. નીચેની અદાલત દ્વારા તે દસ્તાવેજને યોગ્ય રીતે મુલવવામાં આવેલ નથી. અને રીવર્સ ઓનસ કલોસ અનુસંધાને ચેકનો દુરઉપયોગ થયા બાબતેનો મુદો નકકી કરવામાં નિષ્ફળ રહેલ છે. તેમજ ફરીયાદી ચેક ડીસઓનરની તારીખે રૂ. ૮૦,૦૦૦/- પ્રાપ્ત કરવા માટે હકકદાર હતા તેવું પુરવાર કરી શકેલ ન હોય તે સંજોગોમાં નીચેની અદાલતે ફરમાવેલ દંડ અને સજાનો હુકમ રદ કરી આરોપીને છોડી મુકવા આદેશ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી સુધાબેન ઉનડકટ વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ તથા વિવેકભાઇ ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:33 pm IST)