Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજકોટના જળસંકટનું ધોવાણઃ નર્મદાના નીર આજી ભણી

વધુ એક વખત નર્મદાના પાણીથી આજી ભરાશેઃ ૩૧ જુલાઇ સુધી પાણીની ચિંતા નહિ

રાજકોટ, તા. ૮ :. શહેરની જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં ફરીથી પાઈપ લાઈન વાટે નર્મદાના નીર ઠાલવી પ્રજાને ચોમાસુ હેમખેમ પાર કરાવવા માટે સરકારે કરેલા નિર્ણયનો આજથી અમલ થઈ રહ્યો છે. આજીમાં નર્મદાના નીર પહોંચાડવા આજે રાત સુધીમાં પમ્પીંગ શરૂ થઈ જશે. બે દિવસમાં નર્મદાનુ પાણી આજી ડેમ પહોંચતા સપાટી વધવાની શરૂઆત થશે. હાલ આજી ડેમની સપાટી ૧૮ ફુટ જેટલી છે. ભાદર ડુકવા લાગતા સરકારે આજીમાં નર્મદાના નીર ઠાલવવાની વધુ એક વખત મંજુરી આપી છે.

ગયા ચોમાસાના અપુરતા વરસાદને કારણે આજી ડેમ અધુરો રહી ગયેલ તેથી સરકારે નર્મદાના પાણીથી આજી ડેમ ભરવાની યોજના બનાવેલ. અગાઉ ૩ વખત નર્મદાનુ પાણી આજીમાં ઠલવાઈ ચૂકયુ છે. આજીથી ન્યારી સુધી પાણીની આંતરિક પાઈપ લાઈન પણ છે. હાલ આજી ડેમમાં જે પાણી છે તે ૧૫ જૂન સુધી ચાલે તેટલુ છે, ત્યાં સુધીમાં નવા વરસાદી નીરનું આગમન ન થાય તો પાણીની કટોકટી થઈ જાય તે બાબત ધ્યાને રાખી સરકારે લગભગ ચોથી વખત નર્મદામાંથી પાઈપ લાઈન દ્વારા આજી ડેમ ભરવાનુ આયોજન કર્યુ છે. બે દિવસમાં નર્મદાના નીરથી આજી ડેમ ભરાવા લાગશે તેમ કોર્પોરેશનના વર્તુળો જણાવે છે. કેટલુ પાણી ભરવુ ? તે સરકારે જાહેર કર્યુ નથી પરંતુ ૩૧ જુલાઈ સુધી કોઈપણ જાતના પાણી કાપ વગર દરરોજ વિતરણ થઈ શકે તેવુ આયોજન કરાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આજીમાં ૧૮ ફુટ (કુલ સપાટી ૨૯ ફુટ), ન્યારીમાં ૧૧.૬૭ ફુટ અને ભાદરમાં ૮ ફુટ પાણી છે. સરકારે વધુ એક વખત નર્મદાના નીરથી આજી ડેમ ભરવાનો નિર્ણય કર્યાના સમાચાર સૌ પ્રથમ અકિલાએ તા. ૩૦ એપ્રિલના અંકમાં પ્રથમ પાના પર પ્રસિદ્ધ કર્યા હતા.

(3:30 pm IST)