Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

શુક્ર-શનિ વાતાવરણમાં અસ્થિરતા વધશેઃ કયાંક-કયાંક છાંટાછુટીની શકયતા

અલગ - અલગ લેવલના બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા : હાલમાં નોર્મલ તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી ગણાય : ગરમીનો પારો નોર્મલ આસપાસ રહેશે : ૧૫મીના સાંજથી ભેજ વધશે : આવતા બુધ-ગુરૂ-શુક્ર ફરી છાંટાછુટીની સંભાવના : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૮ : હાલમાં ગરમીનો પારો નોર્મલ આસપાસ રહે છે. આમ છતાં પણ આકરા તાપ સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આ સપ્તાહના અંતમાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. જેની અસર રૂપે કયાંક કયાંક છાંટાછુટીની શકયતા રહેલી છે. આ ઉપરાંત આવતા સપ્તાહના મધ્યમાં પણ ફરી છાંટાછુટીની સંભાવના હોવાનંુ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, ગત આપેલ આગાહી મુજબ મહત્તમ તાપમાન નોર્મલ નજીક જ જોવા મળ્યુ. જેમ કે, અમદાવાદ ૪૨, અમરેલી ૪૨, રાજકોટ ૪૧.૮ (ત્રણેય નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), ભુજ - ૩૯ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ) નોંધાયેલ. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છવાયેલ છે. તેના લીધે મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન ઉપર દોઢ કિલોમીટરના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાયેલ છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૫.૮ કિ.મી.ના લેવલનું પશ્ચિમ પાકિસ્તાન અને લાગુ અરબી સમુદ્ર ઉપર છવાયેલ છે.

અશોકભાઈ તા.૮ થી ૧૫ મે (બુધથી બુધ) સુધી આગાહી કરતાં જણાવે છે કે તા.૧૦-૧૧ શુક્ર-શનિ વાતાવરણમાં અસ્થિરતા વધશે. જેથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં કયાંક કયાંક છૂટાછવાયા છાંટાછુટીની શકયતા છે. ત્યારબાદ ફરી ૧૪મીની રાત્રીથી અસ્થિરતા વધવા લાગશે. જેથી તા.૧૫-૧૬-૧૭ મેના ફરી છાંટાછુટીની શકયતા રહેલી છે. જેની અપડેટ તા. ૧૧મીએ આપવામાં આવશે.

પવન મુખ્યત્વે પશ્ચિમના જ ફૂંકાઈ રહ્યા છે. સવારે ભેજનું પ્રમાણ પણ જોવા મળે છે. હવે સાંજના સમયે પણ ભેજનું પ્રમાણ ૧૫મીથી વધવા લાગશે.

મહત્તમ તાપમાન તા. ૯-૧૦ના નોર્મલથી નીચુ આવી જશે. ત્યારબાદના આગાહીના દિવસોમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. કચ્છમાં સૌથી વધુ પવનની માત્રા રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ પવન જોવા મળશે.

(3:29 pm IST)