Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજમાર્ગો ઉપરથી હોકર્સ ઝોન દૂર થશે જઃ મેયરનો અફર નિર્ણય

શહેરમાં સૂચક સ્કૂલ (કુંડલીયા કોલેજ રોડ), ક્રિસ્ટલ મોલ, ભગતસિંહ ગાર્ડન, ભકિતનગર સર્કલ વગેરે વિસ્તારના હોકર્સ ઝોન રાતોરાત રદ્દ થતા રેંકડીધારકો મેયરને રજૂઆત માટે દોડી ગયા પરંતુ બીનાબેન આચાર્યનો નનૈયો...

હોકર્સ ઝોન રદ્દ થતા બેરોજગાર બનેલા રેંકડીધારકોએ મેયર બીનાબેન આચાર્યને હોકર્સ ઝોન ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૮ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રેંકડીધારકો માટે હોકર્સ ઝોન શરૂ કરાયા છે. હવે આ પૈકી રાજમાર્ગો ઉપરના હોકર્સ ઝોનથી રોડ ઉપર ટ્રાફીકજામ અને આડેધડ પાર્કિગની સમસ્યા વકરી હોય આવા અનેક હોકર્સ ઝોનને રાતોરાત રદ્દ કરી નાખવામાં આવ્યા છે. આથી આજે આવા કેટલાક હોકર્સ ઝોનના રેંકડીધારકોએ મેયર બીનાબેન આચાર્યને રૂબરૂ મળી અને તેઓના હોકર્સ ઝોન બંધ નહી કરવા રજૂઆત કરી હતી પરંતુ મેયર બીનાબેન આચાર્યએ તેઓને હોકર્સ ઝોન તો દૂર થશે જ તેવુ સ્પષ્ટ જણાવી દીધુ હતું. આમ શહેરમાં રાજમાર્ગો ઉપર આવેલ અંદાજે ૧૫ જેટલા હોકર્સ ઝોનને બંધ કરવાની કાર્યવાહી ચાલુ જ રહેશે તે બાબત સ્પષ્ટ હોવાનો નિર્દેશ મેયરશ્રીએ આપ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ શહેરના રસ્તાઓ ઉપર રેંકડી અને પાથરણાઓ મારફત વિવિધ ચીજવસ્તુઓ વેંચતા ફેરીયાઓ તથા ખાણીપીણીના વેપારીઓ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૯૫ જેટલા હોકર્સ ઝોન બનાવાયા છે. જેમાં ફેરીયાઓ મહિનાનો વહીવટી ચાર્જ ભરી અને માનભેર ધંધો કરી રહ્યા છે. આ દરમિયાન શહેરના રાજમાર્ગો ઉપર હોકર્સ ઝોનને કારણે ટ્રાફીકજામ, ગંદકી અને ન્યુસન્સ સહિતની સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે તેવી ફરીયાદો મેયર તેમજ કમિશ્નરશ્રીને મળતા રાતોરાત કેટલાક હોકર્સ ઝોન રદ્દ કરી તેઓને અન્ય સ્થળે ફેરવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આથી આજે બપોરે કેટલાક હોકર્સ ઝોનના ફેરીયાઓએ મેયર બીનાબેન આચાર્યને રૂબરૂ મળી અને તેઓના હોકર્સ ઝોન બંધ કરી રોજીરોટી નહિ છીનવવા રજૂઆત કરી હતી, પરંતુ સામે પક્ષે મેયરશ્રીએ સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે, રાજમાર્ગો ઉપરથી હોકર્સ ઝોન દૂર થશે જ. તેઓએ જણાવેલ કે, હાલમાં ક્રિસ્ટલ મોલ પાસેનો હોકર્સ ઝોન દૂર કરી કાલાવડ રોડ ઉપર અન્ય સ્થળે ફેરવવામાં આવી રહ્યો છે અને તેમા રેંકડીધારકો સહમત પણ થયા છે. તેવી જ રીતે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડનવાળો હોકર્સ ઝોન રદ કરી જે.કે. ચોક ખાતે ફેરવવામાં આવેલ છે. ભકિતનગર સર્કલનો હોકર્સ ઝોન આ જ વિસ્તારમાં આવેલ મેદાનમાં ફેરવવામાં આવશે. જ્યારે શાસ્ત્રી મેદાન સામે આવેલ સૂચક સ્કૂલ એટલે કે કુંડલીયા કોલેજવાળા રોડ પરના ખાણીપીણીનો હોકર્સ ઝોન બંધ કરાયો છે તેના વેપારીઓને આસપાસમાં કોઈ મેદાન હોય તો ત્યાં હોકર્સ ઝોન શરૂ કરવા ખાત્રી અપાઈ છે.

(3:06 pm IST)