Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ચિચોડા સાથે કોંગ્રેસની ઉગ્ર રજૂઆતઃ કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

રસ્તા પરથી ખોટી રીતે શેરડીના ચિચોડાઓ દૂર કરી સેંકડો લોકોની રોજીરોટી તંત્રએ છીનવી લીધાનો આક્ષેપઃ રણજીત મુંધવા-ભાવેશ પટેલ સહિતના કાર્યકરોનો આશ્ચર્યજનક કાર્યક્રમ

શેરડીના રસના લાકડાના ચિચોડા સાથે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા અને ભાવેશ પટેલે કોર્પોરેશન કચેરીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો તે વખતે પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે થયેલ ઘર્ષણના દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૮ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના રાજમાર્ગો ઉપરથી શેરડીના રસના ચિચોડા દૂર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સેંકડો ચિચોડાવાળાની રોજીરોટી છીનવાઈ રહી છે અને તંત્રવાહકો ખોટી રીતે નિયમ વિરૂદ્ધ ચિચોડા જપ્ત કરી રહ્યાના આક્ષેપો સાથે આજે બપોરે ૧૨ વાગ્યે કોંગ્રેસના રણજીત મુંધવા સહિતના કાર્યકરોએ રસના ચિચોડા સાથે કોર્પોરેશન કચેરીએ ધસી જઈ અને ચિચોડા ખોટી રીતે જપ્ત નહિ કરવા અંગે આવેદનપત્ર પાઠવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગેની વિગતો મુજબ મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીના આદેશથી છેલ્લા બે દિવસથી જગ્યા રોકાણ વિભાગ શહેરમાં જાહેર થયેલા ૪૮ રાજમાર્ગો ઉપરથી શેરડીના રસના દેશી એટલે કે હાથેથી ચાલતા લાકડાના ચિચોડા તેમજ ઈલેકટ્રીક મોટરવાળા સ્થાયી ચિચોડાને ટ્રાફીકજામના બહાના તળે જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ હરતા ફરતા ચિચોડાઓ જપ્ત કરવાની કાર્યવાહી તદ્દન અન્યાયી છે, એટલુ જ નહિ જે ચિચોડાઓ ચાલુ છે તે વેપારીઓ મ્યુ. કોર્પોરેશનને દૈનિક રૂ. ૩૦૦નો વહીવટી ચાર્જ પણ ભરે છે અને મહિનામાં એક ચિચોડા દીઠ ૯૦૦૦ની આવક થાય છે આમ છતા રાતોરાત તંત્રવાહકોએ ચિચોડા જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે તેના કારણે અસંખ્ય ચિચોડાવાળાઓ બેરોજગાર બન્યા છે. તેવા આક્ષેપો સાથે આજે ૧૨ વાગ્યે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોંગ્રેસ ફરીયાદ સેલના રણજીત મુંધવા, ભાવેશ પટેલ સહિતના કોંગી કાર્યકરોએ લાકડાના હરતા ફરતા ચિચોડા સાથે ધસી ગયા હતા. આ દરમિયાન સ્થળ પર બંદોબસ્તમાં રહેલ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા અને બાદમાં ડે. કમિશ્નરશ્રીને ઉકત કોંગી આગેવાનોએ આવેદનપત્ર પાઠવી અને હવે શેરડીના રસની સીઝન માત્ર ૧ મહિનો જ બાકી હોય ચિચોડા જપ્ત નહી કરવા અને ગરીબ ચિચોડાવાળાઓનો રોજગાર ચાલુ રાખવા માંગ ઉઠાવી હતી.

(3:06 pm IST)