Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ખૂંખાર સિરિયલ કિલર નિલય મહેતા પેરોલ જમ્પ કરી ભાગી ગયો

છ-છ હત્યા જેના માથે છે અને મામુલી રકમ માટે ગળા કાપી હત્યા કરવાની ટેવ ધરાવે છે એ...: આજીવન કેદની સજા ભોગવી રહેલા શખ્સને બે મહિના પહેલા પેરોલ મળ્યા'તાઃ ૫મી માર્ચના પરોલ પુરા થયે જેલમાં પરત હાજર ન થતાં દોડધામ

રાજકોટ તા. ૭: મામુલી રકમ માટે કોઇપણ વ્યકિતનું ગળુ કાપી હત્યા કરી નાંખતો અને જેના માથે છ-છ હત્યાના ગુના છે તેમજ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે તેવો ખૂંખાર કેદી નિલય ઉર્ફ નિલેષ નવીનચંદ્ર મહેતા પેરોલ પર છુટ્યા બાદ પેરોલ રજા પુરી થયા પછી પણ જેલમાં હાજર ન થતાં તેને શોધી કાઢવા દોડધામ મચી ગઇ છે. આ શખ્સને પોલીસે અગાઉ બે વર્ષની દોડધામ બાદ ઝડપ્યો હતો.

નિલય ઉર્ફ નિલેષ મહેતા અને તેની પ્રેમિકા શબાના સહિતનાએ રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન કોમ્પલેક્ષમાં તા. ૧૯ માર્ચ ૨૦૧૩ના રોજ વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.૭૮)ના ઘરમાં ઘુસી ગળુ કાપી તેમની હતયા કરી રૂ. ૬૦૦ રોકડા સહિત ૬૦ હજારની લૂંટ ચલાવી હતી. આ વૃધ્ધાના ઘરે કામ કરવા આવતી મહિલાની પુત્રી શબાના પાણી પીવાના બહાને પહોંચી હતી. તેને વૃધ્ધા જોયે ઓળખતા હોઇ દરવાજો ખોલી અંદર આવવા દીધી હતી. પાછળ તેનો પ્રેમી નિલય પણ ઘુસી ગયો હતો અને વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી હતી.

બે વર્ષની દોડધામ બાદ નિલય મહારાષ્ટ્રના માલેગાંવ નાસીક હાઇવે પરથી પકડાયો હતો. એ પછી તે જેલમાં જતાં આજીવન કેદની સજાનો હુકમ થયો હતો. બે મહિના પહેલા તેને જેલમાંથી પેરોલ મળ્યા હતાં. ૫ માર્ચ ૨૦૧૯ના રોજ તેની રજા પુરી થયે રાજકોટ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર ન થતાં તેની શોધખોળ માટે રાજ્યભરની પોલીસને જાણ કરવામાં આવી છે.

(8:53 am IST)