Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

એચડીએફસી બેંકના પુર્વે મેનેજર સામેની ફરીયાદમાં તપાસ રિપોર્ટ રજુ કરવા હુકમ

રાજકોટ તા. ૮ : એચ.ડી.એફ.સી. બેન્કના ભૂતપૂર્વ મેનેજર વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદમાં કોર્ટે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.ને ફરીયાદી કૌશલભાઇ નાનજીભાઇ મારૂની ફરીયાદ અનુસંધાને દિન ૩૦ ની અંદર રીપોર્ટ રજુ કરવા હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટુંક હકીકત એવી છેકે રાજકોટના નાનામૌવા મેઇન રોડ ઉપર આવેલ દેવનગર ખાતે રહેતા ફરીયાદી કૌશલભાઇ નાનજીભાઇ મારૂ એ રાજકોટના લક્ષ્મીનગર ખાતે આવેલ એચ.ડી.એફ.સી. બેન્કમાં અગાઉ રીજીયોનલ મેનેજર તરીકે કામ કરતા શકિત કરશનભાઇ વાળા તથા તેના સાસુ ગંગાબેન નાથાભાઇ વાઘેલા વિરૂધ્ધ પ્લોટ ખરીદી માટે આપેલ રૂ. ૧૩ લાખ ઓળવી ગયા અંગે આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦, પ૦૪, પ૦૬ (ર) મુજબની ફરીયાદ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આપેલ હતી પરંતુ પોલીસ દ્વારા કોઇજ કાર્યવાહી કરવામાં ન આવતા કોર્ટમાં ફરીયાદ આપેલ.

ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ ફરીયાદીનું એચ.ડી.એફ.સી.બેન્કના લક્ષ્મી નગર શાખામાં ખાતુ હોવાથી અને આરોપી શકિત વાળા ત્યા પોતે નોકરી કરતો હોવાથી ઓળખાણ થયેલ હતી અને આરોપીએ પોતાની ઓળખાણ પોતે બેન્કનો રીજીયોનલ મેનેજર છે તેવી રીતે આપેલ હતી અને ફરીયાદને જણાવેલ કે અમારી બેન્કની શાખામાં તેના સાસુ ગંગાબેન વાઘેલાનો પ્લોટ ગીરવે પડેલ છે અને તેઓને નાણાની ખુબજ જરૂરીયાત છે જેથી પ્લોટ કસમાં મળે તેમ છે તેવી હકીકતો જણાવી વર્ષ ર૦૧પમાં કટકે કટકે ફરીયાદી પાસેથી પ્લોટ પેટે રૂ.૧૩ લાખ મેળવી લીધેલ અને ત્યાર બાદ પ્લોટના કોઇ દસ્તાવેજો ફરીયાદીને પુરા પાડેલ નહી જેથી ફરીયાદીએ પોતાના નાણા પરત માંગતા આરોપીએ ગલ્લા તલ્લા કરેલ અને અંતે હાથ અધર કરી દીધેલ જેથી ફરીયાદએ ના છુટકે ફરીયાદ કરેલ હતી. ઉપરોકત કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(3:42 pm IST)