Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભરવાડ સમાજમાં ‘ભણતર' ઉપર ભાર...વાંકાનેરમાં શનિવારે ‘શિક્ષણ જયોત-ધજા આરોહણ'નો અવસર

વાંકાનેર તાલુકા ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારા સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અનોખો ઉત્‍સવ : સંતો-મહંતો, અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં શૈક્ષણિક સ્‍તરે વધુને વધુ ક્રાંતિ લાવવાના ભાગરૂપે વહેશે જ્ઞાનગંગા... એક જ પંગતે હજારો જ્ઞાતિજનો લેશે મહાપ્રસાદનો લ્‍હાવો : લોકડાયરાની પણ બોલશે રમઝટ... રાજભા ગઢવી, ગીતાબેન રબારી સહિતના નામાંકીત કલાકારો પીરસશે લોકસાહિત્‍ય-ભજન, લોક ગીત

‘અકિલા' કાર્યાલય ખાતે શિક્ષણ જ્‍યોત-શિક્ષણ ધજા આરોહણ પ્રસંગ વિશે વિગતો વર્ણવતા ભીખાભાઈ પડસારીયા, રણજીતભાઈ મુંધવા, ગોપાલભાઈ સરસીયા, નારણભાઈ વકાતર સહિતના અગ્રણીઓ દર્શાય છે(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૮: શહેર સહિત સાૌષ્‍ટ્ર-ગુજરાતના ભરવાડ સમાજમાં પાછલા કેટલાક વર્ષોથી સમૂહલગ્નોત્‍સવ થકી એકતા-અખંડિતતા અને ભાઇચારાની ભાવના વધુને વધુ મજબુત બનવા સાથે જ દિકરા-દિકરીઓને પરણાવવા ઉપર ખોટા ખર્ચાનો અંકુશ આવવા લાગ્‍યો છે, એવી જ રીતે અવાર-નવાર યોજાતા કાર્યક્રમો થકી શૈક્ષણિક જયોતનો ઝળહળાટ પણ દિવસેને દિવસે વધુને વધુ વિસ્‍તાર સુધી પહોંચી રહયો છે...બસ, આવી જ રીતે સમાજમાં ‘ભણતર'નું મહત્‍વ વધારે પ્રસ્‍થાપિત કરી દરેક બાળકોને શિક્ષણના રંગે રંગવાના શુભ આશય સાથે શનિવારે વાંકાનેરમાં ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારા સૌ પ્રથમ વખત શિક્ષણ જયોત સાથે જ શિક્ષણની ધજા ફરકાવાવામાં આવનાર હોવાથી સૌ જ્ઞાતિજનો લાભ લેવા અધીરા બન્‍યા છે.

નવાઇની વાત એ છે કે, ભરવાડ સમાજમાં શૈક્ષણિક જયોતને વધુને વધુ ચારે દિશામાં પ્રજવલ્લીત કરવા માટે વાંકાનેર ખાતે મિલ પ્‍લોટમાં શ્રી મચ્‍છોધામ ખાતે તા.૧૨ને શનિવારે સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ યોજાનાર શિક્ષણ જયોત અને શિક્ષણ ધજા આરોહણ પ્રસંગે સમાજના ધર્મગુરૂ સંત શ્રી ઘનશ્‍યામપુરીબાપુ (થરા), તોરણીયા ધામના લઘુ મહંત શ્રી રાજેન્‍દ્રદાસબાપુ, ગાડુભગત (મચ્‍છોમાંની જગ્‍યા-મોરબી), પરબતભગત (નકલંક મંદિર-શોભલા), કનીરામબાપુ (રબારી સમાજ ધર્મગુરૂ-દુધરેજ), બંસીબાપુ (આપા જાલાની જગ્‍યા-મેસરીયા), કરશનભગત (વાસંગી દાદાની જગ્‍યા-નાગલપર), લખમણભગત (છતરીયા હનુમાનજી-વાંકાનેર), નાથાભગત (નકલંક મંદિર-વસુંધરા), પ્રભુદાસ રણછોડદાસ (જોગજતી ગુફા-વાંકાનેર), કનુભગત (રાણીમાં રૂડીમાંનો વિસામો-હડમતિયા), વિષ્‍ણુદાસ (મચ્‍છોમાંના પજારી-વાંકાાનેર) સહિતના સંતો-મહંતો જ્ઞાતિજનોને શૈક્ષણિકલક્ષી માર્ગદર્શન સાથે સાથે આર્શિવચન પણ પાઠવશે.

શિક્ષણ જયોત-શિક્ષણ ધજા આરોહણરૂપ અનેરા અસવરમાં સંધ્‍યા આરતી પહેલા શ્રી મચ્‍છો માતાજીના મંદિરે શિક્ષણ જયોત પ્રગટાવાશે, એવી જ રીતે સંધ્‍યા આરતી બાદ ગૌપાલક કુમાર છાત્રાલયે શિક્ષણ ધજા ફરકાવવામાં આવશે....સૌ મહેમાનો,અગ્રણીઓ અને જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ શ્રી મચ્‍છો માતાજીના મંદિરે સાંજે ૭ થી ૧૦ સુધી ચાલુ રહેશે...ઉપસ્‍થિત સૌ લોકગીત, લોક સાહિત્‍ય સાથે સાથે ભજનની પણ મોજ માણી શકે એ માટે રાત્રે ૯ વાગ્‍યે યોજાનાર લોક ડાયરામાં રાજભા ગઢવી અને ગીતાબેન રબારી સહિતના કલાકારો સાજીંદાઓ સંગાથે કલા પીરસશે.

અત્રે નોંધનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍્‌ટ્ર-ગુજરાતભરમાંથી અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો ઉમટી પડવાની ધારણા વ્‍યકત થઇ રહી છે ત્‍યારે સૌ એક જ પંગતે મહાપ્રસાદનો લ્‍હાવો લઇ  શકે એવી પણ અલાયદી વ્‍યવસ્‍થા ઉભી કરાવામાં આવી છે.

અનોખા ઉત્‍સવને સફળ બનાવવા કાજે કુમાર છાત્રાલય સંચાલક ગેલાભાઇ હિન્‍દુભાઇ ડાભી (નાત પટેલ), સંચાલક કવાભાઇ નાગજીભાઇ ગોલતર, સચાલક ડાયાભાઇ મશરૂભાઇ સરૈયા, મચ્‍છો માતાજીના ભુવા હિરાભાઇ સહિતના માર્ગદર્શન તળે ગૌપાલક સમૂહલગ્ન સમિતિના વિવિધ હોદેદારો, કાર્યકરો અને સમાજના સેવાભાવી યુવાનો જહેમતશીલ છે.

ભરવાડ સમાજમાં સૌ પ્રથમ વાર યોજાનાર શિક્ષણ જયોત અને શિક્ષણ ધજા આરોહણ અવસર પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓ સાથે સાથે અન્‍ય ક્ષેત્રના આગેવાનો અને મહેમાનો પણ ઉપસ્‍થિત રહેનાર છે....એવી જ રીતે ઇન્‍દુભાઇ ડાભી, ભીખાભાઇ પડસારીયા, રણજીતભાઇ મુંધવા, નારણભાઇ વકાતર, હિરેન ફાંગલીયા, ગોપાલ સશૈયા, વિરમભાઇ ગોલતર, કરણ ગમારા, ગાંડુભાઇ મુંધવા, ભીમાભાઇ મુંધવા, ઓઘડભાઇ ગોલતર, મુન્નાભાઇ ઝાપડા, ધીરજ મુંધવા સહિતના આગેવાનોનો પણ યથાયોગ્‍ય સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે...સમસ્‍ત ભરવાડ સમાજને લાભ લેવા વાંકાનેર તાલુકા ગૌપાલક કુમાર છાત્રાલય, વાંકાનેર તાલુકા ગૌપાલક યુવા સંગઠન દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

શૈક્ષણિક જયોતનો ઝળહળાટ... સમસ્‍ત ભરવાડ સમાજના વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક શ્રેષ્‍ઠ સુવિધા

રાજકોટઃ વાંકાનેર ખાતે મિલ પ્‍લોટમાં શ્રી મચ્‍છુધામ ખાતે કાર્યરત ગૌપાલક કુમાર છાત્રાલયમાં સમસ્‍ત ભરવાડ સમાજના સહયોગથી એડમીશન ફ્રીમાં અપાઇ રહયુ છે....જયાં હોસ્‍ટેલની અદ્યતન સુવિધા મળી રહી છે. હાલ પ્રવેશ કાર્ય ચાલુ હોવાથી ધો.૬ થી ૧૨ અને ઉચ્‍ચ અભ્‍યાસ કરતા છાત્રો લાભ લઇ શકે છે...રીડીંગ હોલ, લાયબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્‍ધ છે.દરરોજ સવારે-સાંજે સંગીતમય શૈલીમાં પ્રાર્થનાસભા પણ યોજાય છે...ેવિશેષ માહિતી માટે સંચાલક કવાભાઇ ગોલતર (૯૩૩૭૭ ૭૫૭૭૭), ગેલાભાઇ ડાભી (૯૯૭૮૧ ૧૯૯૯૯) અથવા ડાયાભાઇ સરૈયા (૯૮૭૯૫ ૧૧૭૭૨)નો સંપર્ક સાધી શકાય છે.

(3:40 pm IST)