Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગોડાઉન રોડના ગુજરાત પાનવાળા વેપારી હિમાંશુભાઇ તંતીનો ઝેરી દવા પી આપઘાત

કેટલાક દિવસથી ટેન્શનમાં હોય તેમ જણાતું હતું: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટીઃ બીજા બનાવમાં નંદુબાગના ૯૦ વર્ષના પ્રેમબેન રાદડીયાએ મગજ ભમતો હોઇ સળગી જઇ જીંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૮: આપઘાતની બે ઘટનામાં ગોડાઉન રોડ પર રહેતાં પાનના વેપારી યુવાને ઝેરી દવા પીને અને સામા કાંઠે નંદૂબાગમાં રહેતાં વૃધ્ધાએ સળગીને આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

ભકિતનગર સ્ટેશન પ્લોટ ગોડાઉન રોડ શેરી નં. ૧૫માં ભાર્ગવ એપાર્ટમેન્ટમાં રહેતાં હિમાંશુભાઇ નરેન્દ્રભાઇ તંતી (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે પાંચેક વાગ્યે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ જે. ડી. વસાવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર હિમાંશુભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ગોડાઉન રોડ પર ગુજરાત પાન નામે દૂકાન ચલાવતાં હતાં. કેટલાક દિવસથી તેઓ કોઇ કારણે ટેન્શનમાં હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. જો કે શું ટેન્શન હતું તેની પરિવારજનોને જાણ નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

બીજા બનાવમાં સંત કબીર રોડ પર નંદુબાગ-૪માં રહેતાં પ્રેમબેન મનજીભાઇ રાદડીયા (ઉ.વ.૯૦) નામના વૃધ્ધાએ ઘરના સંડાસમાં જઇ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર પ્રેમબેનને સંતાનમાં પાંચ પુત્રો પૈકી બે હયાત છે. કેટલાક દિવસથી તેમનો મગજ ભમતો હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. બી-ડિવીઝનના હેડકોન્સ. વી. કે. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)