Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પત્નિએ કરેલ અરજી અન્વયે પતિ સામે ૬ લાખ ૫૨ હજાર વસુલવાનું રીકવરી વોરંટ

રાજકોટ, તા. ૭ :. મોરબીના હેમસન પ્લાસ્ટીકવાળા પરાગભાઈ દોશી વિરૂદ્ધ રૂ ૬,૫૨,૫૦૦નું રીકવરી વોરંટ ફેમીલી કોર્ટ દ્વારા કાઢવાનો હુકમ કર્યો હતો.

અરજદાર ડીમ્પલબેન પરાગભાઈ દોશીના લગ્ન તા. ૨૧-૨-૨૦૦૦ના રોજ હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર તથા જ્ઞાતિના રીતરીવાજ મુજબ જૂનાગઢ મુકામે થયેલ અને લગ્નજીવનથી પુત્ર પાર્થનો જન્મ થયેલ જે હાલ તેમની માતા સાથે રહે છે. લગ્નના આશરે ૧૫ વર્ષ સાથે રહ્યા બાદ પતિ પરાગભાઈ ધીરેન્દ્રભાઈ દોશીનો ત્રાસ અસહ્ય વધી જતા અરજદારે નાછુટકે તેના ભાઈ સાથે રહેવાની ફરજ પડેલ અને અરજદાર ડીમ્પલબેને રાજકોટ ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા તેમજ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ તથા લગ્ન હક્કો પુરા કરવા અંગે કેસ કરેલ.

અરજદારે પોતાની અરજીમાં જણાવેલ કે સામાવાળા પરાગભાઈ ધીરેન્દ્રભાઈ દોશી લગ્નના ૧૫ વર્ષ દરમ્યાન સતત શારીરિક-માનસિક ત્રાસ આપતા અને સામાવાળાના પિતા તથા કુટુંબીજનો પણ અરજદાર ડીમ્પલબેનને શારીરિક-માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા. પરંતુ અરજદાર ડીમ્પલબેનને લગ્નજીવન ચલાવવુ હોય તેઓ નાછુટકે આ તમામ ત્રાસ સહન કરતા. આવી તમામ વિગતોવાળી અરજી અરજદાર ડીમ્પલબેને કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા સહીત રજુ રાખતા કોર્ટે તમામ પુરાવાનું મૂલ્યાંકન કરી તેમજ સામાવાળા પરાગભાઈ ધીરેન્દ્રભાઈ દોશી હેમસન પ્લાસ્ટીકના વારસદાર છે તેમજ મોરબી મુકામે આવેલ દોશી માણેકચંદ સુંદરજીની પેઢીના વારસદાર છે તેમજ 'હેમસન એપાર્ટમેન્ટ'ના નામે આવેલ એપાર્ટમેન્ટમાં હિસ્સો ધરાવે છે.અરજદારના વકીલ મહેશ સી. ત્રિવેદી રેકર્ડ પર લઈ આવતા કોર્ટે આ તમામ પુરાવાઓ ધ્યાને લઈ અરજદાર ડીમ્પલબેનને ભરણપોષણ પેટે માસિક રૂ ૨૦,૦૦૦ તથા પુત્ર પાર્થને માસિક રૂ ૫,૦૦૦ પ્રતિ માસે ચડયે ચડયા ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ જે હુકમ સામાવાળા પરાગભાઈએ હાઈકોર્ટમાં પણ પડકારેલ તો હાઈકોર્ટે હુકમ સામે કોઈ સ્ટે પણ આપેલ નથી અને તાત્કાલીક રકમ રૂ ૧,૫૦,૦૦૦ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. તેમજ હાલમાં રાજકોટ ફેમીલી કોર્ટમાં અરજદાર ડીમ્પલબેનની ચડત ભરણપોષણની રકમ રૂ ૬,૫૨,૫૦૦ની રીકવરી અરજી પેન્ડીંગ હોય તેમા પણ ફેમીલી કોર્ટે રકમ રૂ ૬,૫૨,૫૦૦નુ રીકવરી વોરંટ કાઢવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશભાઈ ત્રિવેદી, કીરીટભાઈ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્યામ પટેલ રોકાયેલ હતા.

(11:39 am IST)