Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટમાં હોમ ક્વોરનટાઇન લોકો માટે કઠોર શરતો અમલી

લોકોએ વાહનોની ચાવી જમા કરાવવી પડશે : તમામ વસ્તુની સરપંચ તેમજ તલાટી દ્વારા હોમ ડિલિવરી

અમદાવાદ,તા.૮ : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોમ ક્વોરન્ટીન લોકો જાહેરનામાનો ભંગ ન કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ અગત્યનો નિર્ણય લીધો છે. દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા ૧૨૦૦ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ લોકો જાહેરનામાનો ભંગ કરી પોતાના વાહન લઇને બહાર ફરી રહ્યા છે. આથી આ લોકો બહાર ન નીકળે તે માટે રાજકોટ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં તેના વાહનની ચાવી જમા કરવાની રહેશે. તેમજ આ લોકોને ડાયરી અને બોલપેન આપવામાં આવશે. ડાયરીમાં હોમ ક્વોરન્ટીન વ્યક્તિએ ૧૪ દિવસ સુધી પોતાની દિનચર્યા લખવાની રહેશે. સ્થાનિક જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૨ એક્સક્લુઝિવ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. જે દર્દીના સેમ્પલ લેવામાં આવે અને જો હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેમને આ ૧૨ પૈકી કોઇ એક એમ્બ્યુલન્સમાં જ લઇ જવામાં આવશે. જિલ્લામાં ૭૨ હજાર હેલ્પરનું બે વખત ચેકીંગ કરવામાં આવ્યું છે.

                તેઓનું સ્વાસ્થ્ય ઉપરાંત વેતન મળે છે કે કેમ તે અંગે જિલ્લાનું વહીવટી તંત્ર કામ કરે છે.  રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં જે હોમ ક્વોરન્ટીનમાં રહેલા લોકો છે તેમાંથી અમુકે હોમ ક્વોન્ટીનનો ભંગ કર્યો હતો. તેના વિરૂદ્ધ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ પ્રકારના કિસ્સાઓ ભવિષ્યમાં ન બને તેને ધ્યાને રાખીને હોમ ક્વોરન્ટીનમાં રહેલા વ્યક્તિઓના વાહનની ચાવીઓ ગ્રામ પંચાયતમાં જમા કરવાની એક સૂચના પરિપત્ર મારફત આપી છે. આનો આશય એ છે કે કોઇ વ્યક્તિ હોમ ક્વોરન્ટીનનો ભંગ ન કરે અને તેને જે પણ જીવન જરૂરી વસ્તુઓ હશે તે સરપંચ અને તલાટી દ્વારા હોમ ડિલિવરી કરી આપશે.

(9:52 pm IST)