Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વહીવટી તંત્રની મંજૂરી છતા પોલીસ અમૂક સ્થળે દૂધની ગાડીઓ રોકે છેઃ મોવૈયાના ધંધાર્થીનો વલોપાત

આમાં મારે રાજકોટ દૂધ દેવા કેમ આવવું: ૩ થી ૪ સ્થળે ફરજીયાત પાસ મંગાય છે : કલેકટરે દૂધ-શાકભાજીના વેપારીને પાસની જરૂરત નથી તેવુ જાહેર કર્યુ તો હવે પોલીસ પણ સમજે

રાજકોટ તા. ૮ :.. રાજકોટ જીલ્લા કલેકટરે ગઇકાલે દૂધ-શાકભાજીના વેપારીને પાસની જરૂરત નથી, છતાં અમૂક ચેક પોસ્ટ ઉપર પોલીસના માણસો-અમુક અધિકારીઓ દૂધની ગાડીઓ રોકતા હોવાની ખોટી કનડગત કરતા હોવાનો વલોપાત આજે મોવૈયાના દૂધના વેપારી શ્રી ચીરાગ સુદાણી કે જેઓ દરરોજ મોવૈયાથી દૂધની ગાડી લઇ રાજકોટ આવે છે તેમણે 'અકિલા' સમક્ષ વ્યકત કર્યો હતો.

તેમણે જણાવેલ કે હું દરરોજ દૂધની ગાડી લઇ મારા ગ્રાહકોને રાજકોટ દૂધ દેવા આવુ છું, પરંતુ ૩ થી ૪ જગ્યાએ પાસ મેળવવો - ફરજીયાત છે. તેવી કનડગત કરાય છે.

હું ગ્રામ પંચાયતનો દાખલો લઇ બે વખત કલેકટર કચેરીએ પાસ કઢાવવા ગયો પણ પાસ ન મળ્યો. અને હવે તો પાસની જરૂરત નથી તેવી જાહેરાત થઇ છે.

એવુ નથી અમુક પોલીસ અધિકારીઓ મદદ પણ કરે છે, એસ્કોર્ટ આપે છે. બધા ખરાબ નથી પરંતુ પોલીસે હવે ખોટી કનડગત બંધ કરવી જોઇએ તેમ આ ચીરાગભાઇ સુદાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે માધાપર ચોકડી અને એવી બે થી ત્રણ ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ખોટી કનડગત કરાય છે. હવે તો હું કંટાળી ગયો છું., રાજકોટ દૂધ લાવવાનું જ બંધ કરી દઉ-એવા વિચારો આવે છે. પરંતુ મારા ગ્રાહકોના વિચાર આવતા દરરોજ હું રાજકોટ આવવા નીકળી જાવ છું.

(4:09 pm IST)