Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટના ૧૦ કોરોના પોઝિટીવ વ્યકિતઓની નામાવલીઃ આ લોકો સાથે સામાજીક દુર્વ્યવહાર ગુન્હો

કોરોના પોઝિટીવ વ્યકિતનાં સંપર્કમાં આવેલા લોકોએ સ્વૈચ્છાએ તંત્રને જાણ કરી મેડીકલ ચેક અપ કરાવી લેવુ જેથી વધુ સંક્રમણ અટકી શકેઃ મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલની અપીલ

રાજકોટ,તા.૮: વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના રોગચાળાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. ભારતમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારશ્રીએ એપિડેમીક ડિસીઝ એકટ, ૧૮૮૭ અનુસાર આવશ્યક પગલાં લેવા રાજયોને આપેલ આદેશ અને રાજય સરકારે આપેલી સૂચના અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે આ અનુસંધાને કમિશનરે એક ઓર્ડર ઇસ્યુ કર્યો છે જેમાં જણાવાયા અનુસાર લોકો કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ જાહેર થવાથી વધુ સાવચેત રહી શકશે અને કોરોનાને પ્રસરતો અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થશે. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાના પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર થવાથી નાગરિકોને એ પણ ખ્યાલ આવશે કે તેઓ જે તે દર્દીના સંપર્કમાં આવ્યા છે કે કેમ, તેમજ જો કોઈ પ્રકારે સંપર્ક

થયો હોય તો તાત્કાલિક આવશ્યક તબીબી પગલાં લઇ શકાય.

કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં લોકોની જાણમાં મુકવામાં આવતા લોકો પોતે જ ઓથોરિટીને માહિતી આપી શકશે અને પોતાને પણ આઇસોલેટ કરી શકશે.

સાથોસાથ કમિશનરશ્રીએ જાહેર જનતાને એ બાબતે પણ વાકેફ કરેલ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર થયા બાદ તેઓની સાથે કે તેમના પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારનો સામાજિક ભેદભાવ આઈ.પી.સી.ની કલમ ૧૮૮ અને એપિડેમીક ડિસીઝ એકટ,૧૮૯૭ ની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર અપરાધ બને છે.

(4:07 pm IST)