Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટ મ.ન.પા.ના કર્મચારીઓની પ્રેરક પહેલ ૩૦.૬૮ લાખ રાહત ફંડમાં આપશેઃ સાત યુનિયનો દ્વારા ફંડની રકમ એકત્રીત કરાશે

રાજકોટ તા. ૮ :.. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કોરોનાની મહામારીમાંથી લોકોને ઉગારવા તમામ પ્રયાસો કરી રહી છે. તેમાં સહાયરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓનો દિવસ-૧ નો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરી પ્રેરક પહેલ કરી છે. અને રૂ. ૩૦,૬૮,૦૦૦ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે, તેમ અલગ અલગ સાત યુનિયનોએ સંયુકત રીતે જણાવેલ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીની ગંભીર સમસ્યા આવી પડેલ છે, આ સમસ્યા માટે આપણું રાજય અને સંપૂર્ણ દેશ મહામારીને નાથવા ઝઝૂમી રહેલ છે. આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા માટે અલગ અલગ સાત યુનિયનો દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. જેથી એપ્રિલ-ર૦ર૦ માં એક દિવસનો તમામ કર્મચારી વર્ગ ૧ થી ૪ નો પગાર કાપી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે.

જે સાત દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ, (ર) રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ, (૩) રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન એન્જીનીયર્સ એસોસીએશન (૪) પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળ (પ) રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી મહાસંઘ, (૬) શિકાટ્રા મ્યુનિ. કમિશનર મંડળ અને (૭) રાજકોટ મહાનગરપાલિકા એકતા મંડળનો સમાવેશ થાય છે.

(3:54 pm IST)