Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જુના ગોળીબાર બટવાળી જગ્યાએ પોલીસે ડિટેઇન કરેલા વાહનોનો ખડકલોઃ પાંચ દિવસમાં ૧૭૦૦ વાહનો ડિટેઇન

રાજકોટઃ કોરોના વાયરસની મહામારીને કારણે ૨૧ દિવસના લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. લોકોને બહાર નહિ નીકળવા અને ઘરમાં જ રહેવા સતત સુચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ કારણ વગર બહાર નીકળનારા લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી તેના વાહનો પણ જપ્ત કરવાની કાર્યવાહી થઇ રહી છે. આમ છતાં લોકો સમજતા નથી અને કોઇપણ જાતના ગંભીર કારણ વગર માત્ર ટહેલવાના ઇરાદે નીકળી પડી જોખમ ઉભુ કરી રહ્યા છે. આવા લોકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. શહેર પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ૧૭૦૦ વાહન લોકડાઉનના ભંગ બદલની કાર્યવાહીમાં ડિટેઇન કર્યા છે. આ વાહનોને બજરંગવાડી શિતલ પાર્ક પાછળ જુના ગોળીબાર બટવાળી જગ્યામાં રાખવામાં આવી રહ્યા છે. અગાઉ જુદા-જુદા કારણોસર ડિટેઇન અને જપ્ત થતાં વાહનો રેસકોર્ષ પોલીસ હેડકવાર્ટર ખાતે રાખવામાં આવતાં હતાં. પરંતુ ગત પહેલી માર્ચથી આ બધા વાહનોને જુના ગોળીબાર બટવાળી જગ્યામાં લઇ જવામાં આવ્યા છે. હાલમાં કોરોના સંદર્ભે લોકડાઉન હુકમના ભંગમાં જે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે તે વાહનો પણ અહિ જ રાખવામાં આવે છે. તસ્વીરમાં કાર, રિક્ષાઓ, ટુવ્હીલરો સહિતના વાહનો જોઇ શકાય છે. આ વાહનો છોડાવવામાં લોકોને વિધીસર કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)