Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મુકેશને કારણે પાંચ વર્ષ પહેલા ગોપાલના ભાઇ અને કમલેશની બહેને આપઘાત કર્યો'તોઃ એ કારણે હત્યા

પખવાડીયા પહેલા 'વરરાજો' બનેલો ગોપાલ ઉર્ફ ગોવિંદ હવે બનેવીનો 'હત્યારો' બન્યોઃ તેના ભાઇનો સાળો બગસરાનો કમલેશ ઉર્ફ કમુ પણ આરોપી : નવાગામ મામાવાડીમાં મુકેશની હત્યાનો ભેદ ઉકેલાયોઃ પોતાની પત્નિ સોનલ અને બહેન ભારતીને ફટકારી એ પછી સાળો ગોપાલ તેના ભાઇનો સાળો કમલેશ 'હાલ તને ગોંડલ રોડ ચોકડીએ મુકી જઇ' કહી બાઇકમાં મેંગો માર્કેટ પાસે લાવ્યાઃ 'તને મારવાનો છે' કહેતાં તે દોટ મુકી ભાગ્યોઃ ખેંચીને ફરી ખાડામાં નાંખ્યો ને કમેલેશે પથ્થર ફટકારી પતાવી દીધોઃ એ વખતે ગોપાલ રોડ પર બાઇક ચાલુ રાખીને ઉભો'તોઃ બંનેને ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસે દબોચી લીધા : પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમના હેડકોન્સ. મયુરભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજાની બાતમી : પાંચ વર્ષ પહેલા કમલેશના બહેન કંચનને પોરબંદર પોલીસે ચોરીમાં પકડતાં તેણીએ લોકઅપમાં આપઘાત કરેલોઃ એ પછી કંચનના પતિ દિનેશે પણ આપઘાત કર્યો હતોઃ તે વખતે પોલીસને બાતમી મુકેશ સોલંકીએ આપ્યાનો ખાર ગોપાલ અને કમલેશ બંનેને હતોઃ શુક્રવારે મુકેશે દારૂ પી પત્નિ અને બહેનને ફટકારતાં અને ગાળો દેતાં રોષે ભરાઇ ગોપાલ અને કમલેશે લોથ ઢાળી દીધાનું ખુલ્યું

હત્યાના આરોપીઓ ગોપાલ ઉર્ફ ગોવિંદ અને કમલેશ ઉર્ફ કમો તથા કબ્જે કરાયેલા મોબાઇલ ફોન અને બાઇક જોઇ શકાય છે. બંનેની ઓળખ પરેડ કરાવવામાં આવશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શનિવારે સવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટ નજીક ખાડામાંથી નવાગામ મામાવાડીમાં રહેતાં મુળ પોરબંદરના મુકેશ કાનાભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ની માથામાં બોથડ ઘા ફટકારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાંખી મૃતકના જ સાળા ગોપાલ ઉર્ફ ગોવિંદ ભાણાભાઇ સોલંકી તથા ગોપાલના અગાઉ આપઘાત કરનાર ભાઇ દિનેશના સાળા બગસરાના કમલેશ ઉર્ફ કમો મથુરભાઇ વાડદોરીયા ને સકંજામાં લીધા છે. મુકેશ દારૂ પી રોજ ખેલ કરી પોતાની પત્નિ સોનલ (ગોપાલની બહેન)ને મારકુટ કરતો હોઇ ગોપાલ કંટાળ્યો હતો. જ્યારે કમલેશની બહેન કંચન અને બનેવી દિનેશએ પાંચ વર્ષ પહેલા આપઘાત કર્યો હતો. દિનેશ એ ગોપાલ ઉર્ફ ગોવિંદનો ભાઇ થતો હતો. આ બંને આપઘાતમાં મુકેશે ભાગ ભજવ્યાનું ગોપાલ અને કમલેશને લાગતું હોઇ તેથી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.

બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ કોડીયાતર, વિરમભાઇ ધગલ, રશ્મીનભાઇ પટેલ સહિતની ટીમે તપાસ શરૂ કરી આ હત્યામાં મૃતક મુકેશના કાકા ગોંડલ રોડ ગુરૂકુળ સામે રહેતાં અને કેશીયો પાર્ટી ચલાવતાં અરજણભાઇ લવજીભાઇ સોલંકી (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં શકદાર તરીકે તેના સાળા તથા તપાસમાં ખુલે તે હોવાનું જણાવાયું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખતા હત્યામાં મુકેશનો જ સાળો ગોપાલ તથા ગોપાલના ભાઇનો સાળો બગસરાનો કમલેશ મુખ્ય આરોપી તરીકે સામે આવતાં બંનેને પકડી લેવાયા છે. પોલીસે ગોપાલ ઉર્ફ ગોવિંદ ભાણાભાઇ સોલંકી (ઉ.૧૯-રહે. નવાગામ મામાવડી) તથા કમલેશ ઉર્ફ કમો મથુરભાઇ વાડદોરીયા (ઉ.૨૧-રહે. મામાવાડી, નવાગામ મુળ બગસરા

મુકેશે શુક્રવારની રાતે દારૂ પી પોતાની પત્નિ સોનલ અને બહેન ભારતીને મારકુટ કરી હતી. એ વખતે સોનલને તેના ભાઇઓ ગોવિંદ ઉર્ફ સૂરજ ભાણાભાઇ સોલંકી, રાજેશ ભાણાભાઇ સોલંકી, ગોપાલ ભાણાભાઇ સોલંકીએ સમજાવ્યો હતો અને દારૂ ન પીવા તથા આ રીતે રોજબરોજ ઝઘડા ન કરવા પણ કહ્યું હતું. આમ છતાં મુકેશ સમજ્યો નહોતો. તેણે પત્નિ અને સાળાઓ સાથે વધુ ઝઘડો ચાલુ રાખ્યો હતો. તેમજ વચ્ચે પડેલી સોનલની ભાભી ભારતી (કે જે મુકેશેની સગી બહેન થાય છે) તેને પણ મુકેશે મારકુટ કરી લીધી હતી.

આથી સોનલ પોતાના પુત્રને લઇને પોરબંદર સાસુ સસરા પાસે જવા નીકળી ગઇહ તી. ત્યાંથી સાસુ સસરાએ તમે અને મુકેશ પોરબંદર રહેવા આવી જાવ તેમ કહેતાં તેણી શનિવારે ફરી રાજકોટ આવી હતી. અહિ પતિ મુકેશ જોવા ન મળતાં પોતાની નણંદ ભારતીને પુછતાં તેણીએ મુકેશભાઇ રાતે તમે ગયા પછી ઘરે આવ્યા નથી તેમ કહેતાં સોનલે તપાસ શરૂ કરી હતી અને પતિની લાશ મળ્યાનું પોલીસ મારફત જાણવા મળ્યું હતું.

 શુક્રવારે ઝઘડા બાદ મુકેશની પત્નિ સોનલ પુત્રને લઇ પોરબંદર જવા નીકળી ગયા બાદ ગોપાલ અને કમલશે મુકેશને બાઇકમાં બેસાડી 'હાલ તને ગોંડલ રોડ ચોકડીએ મુકી જઇએ' કહી બાઇકમાં બેસાડી મેંગો માર્કેટ પાસે લઇ ગયા હતાં.ત્યાં પહોંચ્યા પછી 'હવે તને મારવાનો છે' તેમ કહેતાં મુકેશ દોટ મુકી ભાગ્યો હતો અને ઇંડાવાળા પાસે જઇ 'આ મને મારી નાંખશે' તેમ કહ્યું હતું. એ દરમિયાન ઝપાઝપી થતાં કમલેશ અને મુકેશ ખાડામાં ખાબકયા હતાં. ત્યારે ગોપાલ બાઇક ચાલુ રાખીને ઉભો હતો. કમલેશે પથ્થર ઉપાડી મુકેશના માથામાં ફટકાર્યો હતો અને તેને ઢાળી દઇ ગોપાલના બાઇકમાં બેસી નીકળી ગયો હતો.

ઇંડાવાળા ઇમરાનભાઇને થયું હતું કે  નશો કરેલી હાલતમાં એ શખ્સ બેભાન થઇ પડી ગયો છે. પોતે પણ કદાચ આમાં ફસાઇ જશે તેમ સમજી તે દૂકાન બંધ કરી નીકળી ગયેલ. બીજા દિવસે શનિવારે તેને હત્યા થયાની ખબર પડી હતી અને પોલીસને પોતે જે જોયું તેની જાણ કરી હતી. ઇમરાનભાઇને ત્યારે હત્યા થયાની ખબર નહોતી. બે શખ્સ મૃતક સાથે ઝઘડો કરતાં હોવાનું અને બાદમાં બાઇકમાં ભાગી ગયાનું તેણે પોલીસને કહ્યું હતું. ગોપાલના હજુ પખવાડીયા પહેલા જ લગ્ન થયા હતાં. ત્યાં હવે તે બનેવીની હત્યામાં આરોપી બનતાં જેલમાં જવાની નોબત આવી છે.

ગોપાલે કબુલ્યું હતું કે હું એટલા માટે કંટાળ્યો હતો કે બનેવી મુકેશ રોજ દારૂ પી મારી બહેન સોનલ સાથે મારકુટ કરતો હતો. શુક્રવારે પણ તેણે આવું કર્યુ હતું. ખુબ સમજાવવા છતાં ન સમજતાં મને ગુસ્સો આવ્યો હતો. આ ઉપરાંત પાંચ વર્ષ પહેલા મારા ભાઇ દિનેશભાઇ અને ભાભી કંચનબેને આપઘાત કર્યો તેમાં પણ મુકેશ નિમિત હતો. આથી પણ મને ખાર હતો જ. જ્યારે બીજા આરોપી કમલેશે એવું કબુલ્યું હતું કે પાંચ વર્ષ પહેલા મારી બહેન કંચન કે જેના લગ્ન ગોપાલના મોટા ભાઇ દિનેશ ભાણાભાઇ સોલંકી સાથે થયા હતાં તેણીનું નામ પોરબંદરની એક ચોરીમાં ખુલતાં તે મામાવાડીમાં રહેતી હોવાની બાતમી જે તે વખતે મુકેશે પોલીસને આપી હતી.

પોરબંદર પોલીસે મારી બહેન કંચનને પકડતાં તેણીએ પોરબંદર લોકઅપમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. એ પછી મારા બનેવી દિનેશભાઇએ નવાગામમાં તેના ઘરે ગળાફાંસો ખાધો હતો. આમ મારા બહેન-બનેવીના મોત પાછળ મુકેશ જવાબદાર હતો. આ કારણે હું પણ તેને મારવામાં સામેલ થયો હતો.

પોલીસે એક બાઇક, બે મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. ગોપાલ ઉર્ફ ગોવિંદ અગાઉ ભકિતનગરમાં ચોરીના ગુનામાં સડોવાઇ ચુકયો છે.

પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમના હેડકોન્સ. મયુરભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ ડિટેકશન થયું હતું. 

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શન અને સુચના તથા પીઆઇ વી. કે. ગઢવી તથા બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, ડીસીબી પીએઅસાઇ પી. એમ. ધાખડા, એચ. બી. ધાંધલ્યા, પી. બી. જેબલીયા, યુ. બી. જોગરાણા, એસ. વી. સાખરા, વી. જે. જાડેજા, એમ. વી. રબારી, બી-ડિવીઝનના પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વીરમભાઇ ધગલ, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, પ્રતાપસિંહ ઝાલા, સુભાષભાઇ ઘોઘારી, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંરગ, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, દેવાભાઇ ધરજીયા, અશોક ડાંગર, સંજય ચાવડા, જયપાલસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

૧૫ હજારનું ઇનામ

આ કામગીરી કરનાર સમગ્ર ટીમને પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું. (૧૪.૯)

ફાયનાન્સ કંપનીના કાગળને આધારે મુકેશની ઓળખ થઇ

. પોલીસને હત્યા કરાયેલી લાશ મળી ત્યારે મૃતક કોણ છે તેની કોઇ વિગતો નહોતી. તેના ખિસ્સામાંથી મુથુટ ફાયનાન્સ પોરબંદરનો એક કાગળ મળતાં ક્રાઇમ બ્રાંચે ત્યાં ફોન જોડતાં મૃતકનું નામ સરનામુ મળ્યા હતાં અને તેના આધારે ઓળખ શકય બની હતી.

(5:03 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના આંક ૧૧ હજારને ટપી ગયો, એકલા પુણેમાં કોરોના આંક બે હજારથી વધુ થયો, મુંબઈ અને નાગપુરમાં તેરસો-તેરસો નવા કેસ નોંધાયા: પંજાબમાં ૧ હજાર ઉપર નવા કોરોના કેસ: ગુજરાતમાં આંકડો પોણા છસ્સો ઉપર રહ્યો, ૪ મહાનગરો રાજકોટમાં ૫૮, વડોદરામાં ૭૦, સુરતમાં ૧૨૫ અને અમદાવાદમાં ૧૨૭ કોરોનાના નવા કેસ નોંધાયા: મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ ત્રણ રાજ્યોમાં 14 હજારથી વધુ નવા કેસો access_time 10:23 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,353 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,44,624 થઇ :એક્ટિવ કેસ 1,84,555 થયા વધુ 16,606 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,97,486 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,966 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8744 નવા કેસ નોંધાયા access_time 1:08 am IST