Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજકોટમાં પસ્તીના ડેલામાં ભિષણ આગઃ ૩૦ લાખનું નુકસાન

રાત્રે ૧૨:૩૦ કલાકે લાગેલી આગના સવારે ૧૦ વાગ્યે પણ લબકારા ચાલુઃ ફાયર બ્રિગેડના નવ બંબાએ ૪૦થી વધુ ફેરા કર્યાઃ ત્રણ હાઇડ્રોલીક મશીન પણ બળી ગયા : યામીનભાઇ મહમદભાઇ ગાંજાની માલિકીનો ગુજરાત ટ્રેડર્સ નામનો ૫૦૦ વારનો આખો ડેલો પેક છે, પાછળની સાઇડથી આગ લાગીઃ કોઇએ લગાડી કે અકસ્માતે લાગી? તે અંગે તપાસઃ અંદાજે ૫૦૦ ટન પસ્તી-પુઠાનો માલ હતોઃ રાતભર બંબાના સાયરનો ગાજતા રહ્યા

ભાવનગર રોડ પર ગુજરાત ટ્રેડર્સ નામના પસ્તીના ડેલામાં આગ ભભૂકી હતી તેનું દ્રશ્ય તથા આગ ઓલવાયા પછીના દ્રશ્યો અને સવારે પણ લબકારા ચાલુ હોઇ તેને ઓલવવા મહેનત કરી રહેલા ફાયર બ્રિગેડના જવાન જોઇ શકાય છે. પસ્તી-પુઠાનો મોટો જથ્થો સળગી ગયો હોઇ બળેલો માલ બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઇ હતી (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: ભાવનગર રોડ પર  થોરાળા પોલીસ સ્ટેશન નજીક આવેલા ગુજરાત ટ્રેડર્સ નામના પસ્તી પુંઠાના વિશાળ ડેલામાં મોડી રાતે સાડા બારેક વાગ્યે ભયંકર આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હોઇ આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડના નવ બંબાઓ આગ ઓલવવા રાતભર દોડતા રહ્યા હતાં. સવારે દસ વાગ્યે પણ આગના લબકારા ચાલુ હતાં. અંદાજે ૫૦૦ ટન જેટલો પસ્તી પુંઠાનો માલ, હાઇડ્રોલીક મશીનો ખાક થઇ જતાં ત્રીસેક લાખનું નુકસાન થયાનું જણાવાયું છે.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ રાત્રે સવા બારેક વાગ્યા આસપાસ ગુજરાત ટ્રેડર્સ નામના ડેલામાં આગ લાગવાની જાણ થતાં બેડીપરા ફાયર બ્રિગેડ સ્ટેશનથી ફાયર ફાઇટરો પહોંચ્યા હતાં. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોઇ સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ થયો હતો. મુખ્ય ફાયર સ્ટેશનેથી બીજા બે ફાયર ફાઇટર, રેલનગરનું એક ફાયટર તથા કોઠારીયા, મવડી, રામાપીર ચોકડીના મળી કુલ ૯ ફાયર ફાઇટરોએ પાણીના ૪૦થી વધુ ફેરા કરી આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે અંદર પુઠા પસ્તીનો ખુબ મોટો જથ્થો હોઇ સવારે પણ આગના લબકારા ચાલુ રહ્યા હતાં.

ડેલાના માલિક યામીનભાઇ મહમદભાઇ ગાંજાના કહેવા મુજબ આગમાં અંદાજે પાંચસો ટન જેટલી પસ્તી પુઠાનો જથ્થો તથા તેને પેક કરવાના ત્રણ હાઇડ્રોલીક મશીન, પતરાનો શેડ સહિતનું બળી ગયું હોઇ અંદાજે ત્રીસેક લાખનું નુકસાન થયું છે. આખો ડેલો પેક છે. પાછળના ભાગેથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. રાતે મેઇન સ્વીચ પણ બંધ હતી. આગ અકસ્માતે લાગી કે લગાડાઇ? એ બહાર આવ્યું નથી. સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચેક કર્યા પછી તે અંગે જાણી શકાશે. સવારે પણ ત્રણ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં. રાતભર બંબાના ફેરા ચાલુ હોઇ ભાવનગર રોડ વિસ્તાર સાયરનોથી ગાજતો રહ્યો હતો. બનાવને પગલે થોરાળા પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો અને ટોળે વળેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં.

(12:03 pm IST)
  • ૧૯પ૯માં જસવંતિબેન જમનાદાસ પોપટે અન્‍ય ૬ મહિલાઓ સાથે ફકત ૮૦ રૂપિયાની મૂડીથી લીજ્જત મહિલા ગૃહ ઉદ્યોગ લીજ્જત પાપડની શરૂઆત કરી. જેનો બીઝનેસ આજે ૧૦૦૦ કરોડથી પણ વધારે છે. access_time 3:55 pm IST

  • બજાર ખુલતાવેંત સેન્સેકસમાં વધારો: સેન્સેક્સ એ સવારે ખુલતા વેંત ૩૦૦ પોઇન્ટનો જમ્પ માર્યો છે નિફટી પણ 15000 ઉપર ચાલી રહી છે access_time 11:17 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે ? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 11:19 am IST