Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રેલ્વેના વર્ગ-૩-૪ના કર્મચારીઓના આવાસ જર્જરીત છે ત્યારે ડીવીઝનલ એન્જીનીયરના બંગલોની સજાવટ પાછળ લખલુંટ ખર્ચ!! આંદોલનની ચીમકી

રાજકોટઃ રેલ્વેની બાબુશાહી વર્ષોથી જગજાહેર છે. આ વિભાગના અધિકારીઓના ઠાઠમાઠ કાંઇક અલગ જ હોય છે. સરકારી તિજોરી ઉપર બીન જરૂરી ખર્ચાઓ કરી તોતીંગ બોજ નાખવામાં આવતો હોય છે. બીજી તરફ કલાસ-૩ અને ૪ ના કર્મચારીઓના પ્રશ્નોને 'બાબુશાહી' ઠેબે ચડાવતી હોય છે. આવા જ મુદ્દે રેલ્વે મજદુર સંઘના સેક્રેટરી હિરેન મહેતાએ ભુખ હડતાલની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે. રેલ્વેની લોકો કોલોની, રૂખડીયા કોલોની અને કોઠી કંમ્પાઉન્ડમાં વસતા નાના કર્મચારીઓના કવાર્ટરોની હાલત અત્યંત જર્જરીત બની છે ત્યારે રેલ્વેના ડીવીઝનલ એન્જીનીયરના બંગલોની સજાવટ પાછળ ઉડીને આંખે વળગે તેવો લાખોનો ખર્ચ કરવામાં આવતા કર્મચારી અગ્રણીએ 'એકને ગોળ અને એકને ખોળ' જેવી નીતી બારામાં ન્યાયની માંગણી કરતી નોટીસ આપી હોવાનું જાણવા મળે છે. જો પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહિ આવે તો ઉપવાસ આંદોલન સુધીનો વિરોધ પ્રદર્શીત કરવામાં આવશે તેમ મજદુર સંઘના હિરેન મહેતાનો સંપર્ક સાધતા જણાવાયું હતું.

(4:03 pm IST)