Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સૌરાષ્ટ્ર યુનિ,માં ડમીકાંડમાં ઝડપાયેલા ભાજપના નેતાને 4 વર્ષની સજા: સામાન્ય વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપવાની મનાઈ ?!!!

યુનિ.નાં આ નિર્ણયથી સતાધીશો સામે ફરીવાર અનેક સવાલો ઉઠયા છે. છાત્રો પૂછી રહ્યા છે કે આ તે કેવો ન્યાય ?

રાજકોટ: શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે ફરી એકવાર યુનિ. વિવાદમાં આવી છે. જેમાં 3 વર્ષ અગાઉ ડમીકાંડમાં ઝડપાયેલા ભાજપનાં નેતાને 4 વર્ષની સજા અને સોમવારે ઝડપાયેલા સામાન્ય વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી હવે તે કોઈપણ જગ્યાએ અભ્યાસ કરી શકશે નહીં. ત્યારે યુનિ.નાં આ નિર્ણયથી સતાધીશો સામે ફરીવાર અનેક સવાલો ઉઠયા છે. છાત્રો પૂછી રહ્યા છે કે આ તે કેવો ન્યાય ?

જાણવા મળતી વિગત અનુસાર, ગોંડલની એમ.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એપ્રિલ 2019 માં બી.એ. સેમેસ્ટર-1 ની પરીક્ષા આપતા તત્કાલીન પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈ.ડી. એ.સી.એ તેને 1+8 એટલે કે 4 વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખ્યો હતો.જોકે ગઇકાલે યુનિવર્સિટીમાં મળેલી ઈ.ડી.એ.સી. એટલે કે,એક્ઝામિનેશન ડીસીપ્લીનરી એક્શન કમિટીની બેઠકમાં પરીક્ષામાં ડમી બેસાડતા વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરતા જોવા મળ્યા છે. જેમાં લીંબડીમાં બી.એ. સેમ.5ની પરીક્ષામાં મનોજ ઇવોરીયાએ ડમી વિદ્યાર્થી તરીકે અન્યને બેસાડ્યો હોવાના મામલામાં તેને આજીવન પરીક્ષામાંથી બાકાત કરવાનો નિર્ણય કરાયો છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવેમ્બર-ડીસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023માં લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતી આચરતા 53 વિદ્યાર્થીઓને સજા માટે ઈ.ડી.એ.સી.ની બેઠક મળી હતી. જેમાં કાપલી, હાથ-પગમાં લખાણ સહિત સ્માર્ટ વોચમાંથી ચોરી કરતા ઝડપાયેલા છાત્રોનું હિયરીંગ હતું. જેમાં એક વિદ્યાર્થી ચોરી કરતા પકડાઈ જવાના ડરથી ચિઠ્ઠી ચાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. એક કિસ્સામાં ઘરેથી ઉતરવહી પરીક્ષા કેન્દ્રમાં લઇ જતી બી.કોમ. સેમ.1 ની વિદ્યાર્થિની વિદ્યુતી વાણીયાને 1+6 એટલે કે ત્રણ વર્ષ સુધી પરીક્ષામાંથી બાકાત કરી છે. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે.

 

(8:22 pm IST)