Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રિક્ષાચાલક રવિએ વ્‍યાજે લીધેલા ૫૦ હજાર ચુકવી દીધા છતાં વધુ ૧૦ હજાર માંગી ધમકી

પોપટપરાના કાસમ જૂણાચ વિરૂધ્‍ધ ડીસીબી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૮: વ્‍યાજખોરીના વધુ એક બનાવમાં બજરંગવાડીના રિક્ષાચાલકને પોપટપરાના શખ્‍સે વ્‍યાજે આપેલા ૫૦ હજાર વસુલી લીધા બાદ વધુ ૧૦ હજાર માંગી સતત પાંચ દિવસ સુધી ફોન કરી ગાળો દઇ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં ડીસીબી પોલીસે બજરંગવાડી-૪ પુનિતનગર-૧માં સત્‍ય પ્રકાશ સ્‍કૂલ પાસે રહેતાં રિક્ષાચાલક રવિ રમેશભાઇ જીંજરીયા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી કાસમ ખમીશાભાઇ જૂણાચ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

રવિએ જણાવ્‍યું છે કે ત્રણેક વર્ષ પહેલા મેં રોજગાર માટે સીએનજી રિક્ષા ખરીદ કરી હતી. તે બજાજ ફાયનાન્‍સમાંથી લીધી હતી. દર મહિને હું તેનો હપ્‍તો ભરતો હતો. પણ કોરોના આવતાં ધંધો બંધ થતાં હું હપ્‍તા ભરી શક્‍યો નહોતો. ત્‍યારબાદ હપ્‍તા ભરવા પૈસાની જરૂર પડતાં રેલ્‍વે સ્‍ટેશન પાટે હું રિક્ષા હંકારતો હોઇ મને બીજા લોકો પાસેથી ખબર પડી હતી કે પોપટપરા મેઇન રોડ પર તમન્‍ના એસ્‍ટેટ ઓફિસ પાસે વ્‍યાજની ડેઇલી ડાયરીથી વ્‍યાજે નાણા આપે છે. આથી હું તપાસ કરવા ગયો ત્‍યારે ત્‍યાં કાસમ ખમીસભાઇ જૂણાચ મળેલ. તેની સાથે મેં દસ હજાર રૂપિયાની જરૂર છે તેવી વાત કરતાં તેણે ૩ ટકા વ્‍યાજે આપશે અને ૧૦૦ દિવસ સુધી રોજના ૧૦૦ ભરવા પડશે તેમ કહેતાં મેં હા પાડતાં મને ૯ હજાર આપ્‍યા હતાં.

ત્‍યારબાદ મેં તેને દસ હજાર ચુકવી દીધા હતાં. એ પછી મારે દવાખાનાના કામ માટે જરૂ રપડતાં મેં ૫૦ હજાર લીધા હતાં. તેણે વ્‍યાજના ૫ હજાર કાપીને ૪૫ હજાર આપશે તેમજ રોજના ૫૦૦ લેખે ૧૦૦ દિવસ હપ્‍તો ભરવો પડશે તેમ કહેતાં મેં હા પાડી હતી. હું નિયમીત હપ્‍તા આપતો હતો. પણ છેલ્લા પાંચેક દિવસના હપ્‍તા ચુકવી શક્‍યો નહોતો. પણ બાદમાં વ્‍યવસ્‍થા થતાં બાકી રહેતાં કુલ ૩૭ હજાર એક સાથે ચુકવી દીધા હતાં. આ પછી કાસમે મને રૂબરૂ બોલાવી કહેલું કે મેં તને ૫૦ હજાર આપ્‍યા તેના હજુ દસ હજાર તારે દેવાના છે. મેં તમામ રકમ ચુકવી દીધી છે તેવું કહેતાં તેણે વ્‍યાજ તો આપવુ જ પડશે તેમ કહી ગાળો દીધી હતી. જેથી હું જતો રહ્યો હતો. હવે તે સતત પાંચ દિવસથી રોજ ફોન કરી ગાળો દઇ બળજબરીથી વ્‍યાજ માંગે છે અને ધમકી આપે છે જેથી ફરિયાદ કરવી પડી છે. ડીસીબીના હેડકોન્‍સ. રણજીતસિંહ પઢારીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)