Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગુન્‍હાખોરી કાબુમાં રાખી ‘સલામત રાજય'ની ઓળખ કાયમ રાખવાનું લક્ષ્યઃ વિકાસ સહાય

રાજયના નવા પોલીસ વડા વિકાસ સહાય રાજકોટની મુલાકાતેઃ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ કમિશ્નરેટ અને રાજકોટ રેન્‍જના તમામ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠકઃ ગુન્‍હાખોરીની બદલતી તાસીરને ધ્‍યાનમાં રાખી સાયબર ક્રાઇમને શોધી કાઢવા એક્ષપર્ટ અધિકારીઓની કેડર તૈયાર કરવા ઉપર ભાર મુકયો

રાજકોટઃ રાજયના નવનિયુકત પોલીસ વડા વિકાસ સહાયે ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ કમિશ્નરેટ અને રેન્‍જની કચેરીઓનું ઇન્‍સ્‍પેકશન કરી સમીક્ષા બેઠક યોજવાનું શરૂ કર્યુ છે. આજે બપોરે શ્રી સહાય ભાવનગરથી રાજકોટ પહોંચ્‍યા ત્‍યારે સર્કીટ હાઉસ ખાતે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવના નેજા તળે ગાર્ડ ઓફ ઓનર આપી આદર સત્‍કાર કરવામાં આવ્‍યો હતો. આ તકે એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી સૌરભ તોલંબીયાડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી સુધીર દેસાઇ, ડીસીપી પુજા યાદવ, ડીસીપી સજજનસિંહ પરમાર ઉપરાંત રેન્‍જ હેઠળના રાજકોટ જીલ્લા પોલીસ વડા સર્વશ્રી જયપાલસિંહ રાઠોડ, મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહીતના અધિકારીઓએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી રાજયના પોલીસ વડાને શુભેચ્‍છાઓ પાઠવી હતી. પત્રકારો સાથેની ટુંકી વાતચીત દરમિયાન તેઓએ ગુન્‍હાખોરીને કાબુમાં રાખી સલામત રાજયની છાપ બરકરાર રાખવાનું લક્ષ્ય હોવાનું જણાવ્‍યું હતું. નવા પદભાર સાથે રાજયના તમામ પોલીસ કમિશ્નરેટને રેન્‍જ હેઠળના  જીલ્લાઓના અધિકારીઓ સાથે લો એન્‍ડ ઓર્ર્ડરના મુદ્દે નવેસરથી રોડ મેપ તૈયાર કરી પ્રજાના હિતમાં કામગીરી આગળ ધપાવવા પ્રયત્‍નશીલ રહેવાનું વચન તેઓએ આપ્‍યું હતું. ગુન્‍હાખોરીની બદલતી તાસીરને ધ્‍યાને રાખી સાયબર ક્રાઇમને શોધી કાઢવા રાજય પોલીસ વિભાગના અફસરોની નવી કેડર તૈયાર કરવા ઉપર પણ તેમણે ભાર આપ્‍યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)