Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

હવે મારૂ પેન્‍શન ચાલુ ન થાય તો દિલ્‍હીમાં આમરણાંત ઉપવાસ : સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ

૯૮ વર્ષની વયે ઠાલવ્‍યો ભારોભાર આક્રોશ : સાયકલ પર ચાર વખત ભારત ભ્રમણ કરી ચુકયા છે

રાજકોટ તા. ૮ : સાયકલ ઉપર ચાર ચાર વખત ભારત ભ્રમણ કરી ચુકેલા સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ હાલ ૯૮ ની વયે પહોંચ્‍યા છે અને પેન્‍સન શરૂ કરવા માટે વારંવાર સરકારને અરજ કરી રહ્યા હોવા છતા બહેરા કાને અવાજ અથડાતો નથી.

મુળ રાજકોટ પાસેના સરધારના વતની એવા મનસુખભાઇ શાળાઓમાં પ્રવચનો આપતા રહે છે. સાયકલ તેમનું પ્રિય વાહન છે. સાડા અગીયાર કિ.મી. નો સાયકલ પ્રવાસ ખેડી ચુકયા છે. સારા લેખક, કવિ પણ છે. ‘કવિ કુંદન' ઉપનામથી તેઓ સર્જન કરતા રહે છે.

હાલ સરધારની એક શાળામાં વકતવ્‍યના કાર્યક્રમમાં આવેલા મનસુખભાઇ પંચાલે ‘અકિલા' ખાતે સરકાર સામે ભારોભાર આક્રોશ વ્‍યકત કર્યો હતો. તેઓએ જણાવ્‍યુ હતુ કે આજે ઢળતી ઉંમરે હું સ્‍વાતંત્રય સેનાની તરીકેનું પેન્‍શન મેળવવા માંગણી કરતો ફરૂ છુ છતા કોઇ સાંભળતુ નથી. એક સમયે કોંગ્રેસ સાશનમાં મારૂ પેન્‍શન મંજુર થઇ ગયુ હતુ. છતા અમારી સધ્‍ધર સ્‍થિતી હોવાથી મેં આદરભેર પેન્‍શન સ્‍વીકારવાની ના પાડી દીધી હતી.

હાલ પરિસ્‍થિતી બદલાઇ છે. હવે મારે જીવન નિર્વાહ માટે પેન્‍શનની જરૂર છે. ત્‍યારે ખરા સમયે સરકાર મારૂ પેન્‍શન મંજુર કરતી નથી. અનેક વખત હું લેખિત મૌખિક રજુઆતો કરી ચુકયો છુ. છતા કોઇ મને સાંભળતુ નથી. હવે છેલ્લા ઉપાય રૂપે હું દિલ્‍હી જઇ પ્રધાનમંત્રીશ્રીને રૂબરૂ મળી છેલ્લીવાર રજુઆત કરવાનો છુ અને જો મને સાંભળવામાં નહીં આવે તો ત્‍યાં જ આમરણાંત ઉપવાસ પર બેસી જવા મેં મન બનાવી લીધુ છે. તેમ આક્રોશભેર મનસુખભાઇ પંચાલે જણાવ્‍યુ હતુ.

અહીં ઉલ્લેખનીય છે કે સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ મુળ સરધાર (રાજકોટ)ના વતની છે અને મોટાભાગે ગાંધીનગર, યુથ હોસ્‍ટેલ, સેકટર નં. ૧૫ ખાતે  તેમનો નિવાસ હોય છે. તેમના સંપર્ક માટે યુથ હોસ્‍ટેલના અશોકભાઇ અથવા હરીભાઇને મળી લેવા તેઓએ જણાવેલ છે.

(3:14 pm IST)