Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગુરૂવારે બજેટને સ્‍ટેન્‍ડીંગની બહાલી : વેરા વધારો ઘટશે ?

મ્‍યુ. કમિશનર દ્વારા પાણી વેરો ત્રણ ગણો કરવા, નવો પર્યાવરણ ટેક્ષ લેવા તથા મિલકત વેરો વધારવા સુચન કરાયેલ : શહેરના ૨૫૮૬.૮૨ કરોડના બજેટમાં કદ વધારી જનરલ બોર્ડમાં મંજુરી અર્થે મોકલાવાશેઃ નવી યોજનાઓ ઉમેરાશે : ચેરમેન પુષ્‍કર પટેલ દ્વારા બજેટની વિસ્‍તૃત વિગતો જાહેર કરાશે

 

 

રાજકોટ તા. ૭ : મનપાનું વર્ષ ૨૦૨૩-૨૪નું બમણા પાણી વેરા અને નવા પર્યાવરણ વેરા વધારાના આંકડા કરવેરા સહિત કુલ ૧૦૧ કરોડનું કરબોજવાળુ સામાન્‍ય બજેટ ગત અઠવાડિયે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલને સુપ્રત કર્યું હતું.

આ બજેટનો સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા ગહન અભ્‍યાસ કરી સંભવતઃ ગુરૂવારે બહાલી આપવામાં આવે તેવી શક્‍યતાઓ છે. બજેટમાં મ્‍યુ. કમિશનર દ્વારા પાણી વેરામાં ત્રણ ગણો વધારો સુચવાયો છે ત્‍યારે સ્‍ટેન્‍ડીંગ કમિટી ઉપર લોકોની મીટ મંડાયેલી છે. હાલ રેસીડન્‍સમાં રૂા. ૮૪૦ પાણી વેરો લેવામાં આવે છે જેને વર્ષે ૨૪૦૦ કરવા તથા કોમર્શિયલના રૂા. ૧૬૮૦ને ૪૮૦૦ વાર્ષિક કરવા સુચવ્‍યું છે. ઉપરાંત મિલકત વેરામાં રેસીડેન્‍સીમાં પર ચો.મી. ૧૧ લેવામાં આવે છે તે હવે રૂા. ૧૩ તથા કોમર્શિયલમાં રૂા. ૨૨ના રૂા. ૨૫ લેવા દરખાસ્‍ત કરાઇ છે.

આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન રહેણાંક મિલકતો માટે વાર્ષિક રૂા. ૭૩૦ (પ્રતિ દિન રૂા. ૨) તથા બિનરહેણાંક મિલ્‍કતો માટે વાર્ષિક ૧૪૬૦ (પ્રતિ દિન રૂા. ૪) તથા ખુલ્લા પ્‍લોટના ૫૦૦ ચો.મી. સુધીના ૨૮ ચો.મી. તથા ૫૦૦ ચો.મી.થી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટમાં વાર્ષિક રૂા. ૪૨ ચો.મી. તેમજ વર્ષ દરમિયાન કોઇપણ સમયમર્યાદામાં વાણિજ્‍ય હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા પ્‍લોટ માટે વાર્ષિક રૂા. ૫૬ ચો.મી. વસૂલવા સૂચવામાં આવે છે. શહેરના થિયેટર ટેકસ પ્રતિ સો રૂા. ૧૦૦ વસુલવામાં આવે છે તેની બદલે હવે નવા નાણાકીય વર્ષથી થિયેટર ટેકસ પ્રતિ શો રૂા. ૧૦૦૦ લેખે નિયત કરી વસૂલવાની દરખાસ્‍ત છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી એન્‍વાર્યમેન્‍ટ ચાર્જ વસુલવાની દરખાસ્‍ત સૌ પ્રથમ વખત કરવામાં આવી છે. જેમાં કોમર્શિયલ મિલ્‍કતોનો કાર્પેટ એરીયા ૫૦ ચો.મી.થી વધુ હોય તેવી મિલકતોના સામાન્‍ય કરના ૧૩ ટકા લેખે નિયત કરી વસુલવાની જોગવાઇ સુચવવામાં આવી છે.

બજેટમાં શહેરમાં નવા ભળેલા તથા વિકસી રહેવા નવા વિસ્‍તારોમાં નાગરિકોને માળખાકીય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા તથા જુના વિસ્‍તારોમાં રહેતી હયાત માળખાકીય સુવિધાઓ મેન્‍ટેન કરવા જરૂરી આયોજન કરવામાં આવે છે. શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ જુનો જર્જરીત થયેલો હોય જે નવો બનાવવો જરૂરી છે. ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂા. ૨૭.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. શહેરના ઢેબર રોડ તથા ગોંડલ રોડ પીડીએમ ફાટક પર અન્‍ડર બ્રીજ બનાવાશે. શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ટ્રાફીકનું ભારણ હળવું કરવા બ્રીજ બનાવવા પ્રી-ફીઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ તૈયાર કરવાનું આયોજન છે.આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં રસ્‍તાઓ, ડસ્‍ટ ફ્રી રોડ, વોટર સપ્‍લાય, વોર્ડ ઓફિસ, ડ્રેનેજ, આધાર કેન્‍દ્ર, કોમ્‍યુનિટી હોલ, એનિમલ હોસ્‍ટેલ તથા પશુ સ્‍મશાન સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવા માટે જોગવાઇ કરાઇ છે.

આમ, સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા પાણી વેરો, મિલ્‍કત વેરો તથા નવા પર્યાવરણ ટેક્ષની વધારાની મ્‍યુ. કમિશનર દ્વારા કરાયેલ દરખાસ્‍ત ઉપર ખૂબ જ વિચાર બાદ નિર્ણય લેવાઇ શકે છે. આવનાર વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને પણ ધ્‍યાનમાં રાખી વેરા અંગે ફેરવિચારણા કરવામાં આવી શકે છે. શહેરના નાગરિકો પણ આટલા વેરા વધારામાં રાહત મળે તેવી સ્‍ટેન્‍ડીંગ કમિટી પાસેથી આશા રાખી રહ્યા છે

 

(4:12 pm IST)