Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

હોસ્પિટલ ચોક ફલાયઓવરનું કામ શરૃઃ કપાતનું માર્કિંગ

સોૈ પહેલા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડની એસબીઆઇ સામેની સાઇડથી લઇ સાઇકીયાટ્રીક વોર્ડ સુધી માર્કિંગ કરવાની કામગીરી થઇઃ પહેલા અંદરની દિવાલ ચણાશે, એ પછી કપાતનો ભાગ તોડી પડાશેઃ ૮૪.૭૧ કરોડના ખર્ચથી કુલ ૭૧ પીલર્સ પર ઉભો થશે બ્રિજ

હોસ્પિટલ ચોક ટ્રાયેન્ગલ ફલાયઓવર બ્રિજની કામગીરીના પ્રારંભ રૂપે હાલ કપાત મિલ્કતો દૂર કરવાનું શરૂ થયું છે. સિવિલ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તોડવાની અને નવી બનાવવાની કામગીરી શરૂ થઇ છે. જેમાં કપાતમાં જેટલી જગ્યા આવશે તેના માર્કિંગ તથા વોલ તોડવાની કામગીરી માટે પહોંચેલા મજૂરો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરમાં મંજુર થયેલા અન્ડર બ્રિજ અને ઓવર બ્રિજના પ્રોજેકટ અંતર્ગત રૈયા રોડ આમ્રપાલી ફાટકના અન્ડર બ્રિજનું કામ ગતિમાં છે. હવે સિવિલ હોસ્પિટલ ચોકના ટ્રાયેન્ગલ ફલાયઓવર બ્રિજનું કામ શરૂ થવાનું છે. તેના ભાગ રૂપે સોૈ પ્રથમ કપાતમાં આવતી મિલ્કતોનું માર્કિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલનો કપાતમાં આવતો ભાગ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ફલાયઓવર બ્રિજ ૮૪.૭૧ કરોડના ખર્ચથી બનશે.

જાણવા મળ્યા મુજબ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાની ચેમ્બરની જમણી સાઇડથી (અગાઉ જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર હતાં ત્યાંથી) લઇ છેક માનસિક રોગોના વિભાગ સુધી અને જય સિયારામ જય બાલાજી સંસ્થાના અન્નક્ષેત્ર સુધીના ભાગોમાં ગઇકાલે કોન્ટ્રાકટરની ટીમોએ મ્યુનિસિપલ કોર્ર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી કમ્પાઉન્ડ વોલનો જેટલો ભાગ તોડી પાડવાનો છે તેનું માર્કિંગનું કામ કર્યુ હતું.

પ્રારંભે જે ભાગ તોડી પાડવાનો છે એટલો બાકી રાખી નવી કમ્પાઉન્ડ વોલ ચણવાનું કામ શરૂ કરવામાં આવશે. એ પછી બાકીનો બહારનો કપાતનો ભાગ તોડી પાડવામાં આવશે. તબિબી અધિક્ષકની ચેમ્બર તરફથી અન્નક્ષેત્ર સુધીના હોસ્પિટલના કમ્પાઉન્ડનો આઠથી દસ ફુટ જેટલો ભાગ કપાતમાં આવે છે. અંદરની સાઇડ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું અને બહારની વોલ તોડી પાડવાની કામગીરી આશરે બે મહિનામાં પુરી થાય તેવી શકયતા છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ હોસ્પિટલના પાર્કિંગ સહિતની અન્ય વ્યવસ્થા કરાવવા સંબંધીતોને સુચના આપી હતી.

નોંધનીય છે કે હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રાયેન્ગલ ઓવર બ્રિજ ૭૧ પિલર્સ પર ઉભો કરવામાં આવશે. આ બ્રિજમાં સર્વિસ રોડની પહોળાઇ ૬ મિટર બંને તરફ, ફૂટપાથની પહોળાઇ બંને તરફ  ૦.૯૦ મિટર, જવાહર રોડ તરફ બ્રિજની લંબાઇ ૨૯૯ મિટર, કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઇ ૪૦૦ મિટર, જામનગર રોડ તરફ બ્રિજની લંબાઇ ૩૬૭ મિટરની રહેશે.

આ બ્રિજ બનાવવા માટે રેલ્વેની ૧૦૬૫ ચોરસ મિટર, સિવિલ હોસિપટલ મેડિકલ કોલેજની ૧૦૦૭ ચોરસ મિટર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૩૨ ચોરસ મિટર, ઝનાના હોસ્પિટલની ૩૬૮ ચોરસ મિટર, પ્લેટિનમ અને ધ ગ્રાન્ડ ઠાકર હોટેલની ૯૫ ચોરસ મિટર સહિત કુલ ૬૦૦૦ ચોરસ મિટર જમીન કપાત થશે. અસરગ્રસ્તોને તેઓની જમીનના કપાતના બદલામાં રોકડ રકમ, બિલ્ડીંગ એફએસઆઇ અથવા વૈકલ્પીક જમીન એમ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવી છે.

ટ્રાયેન્ગલ બ્રિજના કામના પ્રારંભના ભાગ રૂપે સોૈ પહેલા સિવિલ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તોડવાની અને નવી બનાવવાની કામગીરીનો પ્રારંભ થશે.

(3:33 pm IST)