Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કોરોના વાયરસનો શંકાસ્પદ કેસઃ રાજકોટ સિવિલમાં યુવતિ દાખલ

ચાઇનામાં મેડિકલનો અભ્યાસ કરતી જેતપુર પંથકની યુવતિ અઠવાડીયા પહેલા વતન પરત આવી'તીઃ શરદી-ઉધરસ-તાવની ફરિયાદ સાથે સારવાર માટે દાખલઃ લોહી-કફના નમુના લઇ અમદાવાદ લેબોરેટરીમાં મોકલાયા

રાજકોટ તા. ૮: ચાઇનામાં અસંખ્ય જીવ લઇ ચુકેલો કોરોના વાયરસથી ફેલાતો રોગ વિશ્વભરને ડરાવી ચુકયો છે. દરમિયાન રાજકોટ જીલ્લામાં આવો એક શંકાસ્પદ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેતપુર પંથકમાં રહેતી એક યુવતિ કે જે ચાઇનામાં અભ્યાસ કરે છે તે અઠવાડીયા પહેલા વતન પરત આવી છે. તેણીને આજે શરદી-તાવ-ઉધરસ સહિતના લક્ષણો જણાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતાં તેને સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવવા માટે નમુના અમદાવાદ લેબોરેટરીમાં મોકલાયા છે.

જાણવા મળ્યા મુજબ જેતપુર પંથકમાં રહેતી ૨૧ વર્ષની યુવતિ ચાઇનામાં રહી મેડિકલનો અભ્યાસ કરતી હતી. તેણી અઠવાડીયા પહેલા વતન જેતપુર પરત આવી છે. તે પરત આવી ત્યારે ચાઇના અને મુંબઇમાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. દરમિયાન બે દિવસથી તેને તાવ-શરદી-ઉધરસ સહિતના શંકાસ્પદ લક્ષણો લાગુ પડતાં સ્થાનિક સારવાર અપાવાઇ હતી. પરંતુ તેણી ચાઇનાથી આવ્યાનું તબિબોને માલુમ પડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બતાવવા કહેવાયું હતું.

આજે મોડી બપોરે તેણીને રાજકોટ સિવિલમાં લાવવામાં આવતાં સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. પહેલેથી જ આ વાયરસના દર્દીઓ જો આવે તો તેના માટે ખાસ વોર્ડની વ્યસ્થા સ્વાઇન ફલૂ વિભાગમાં કરી રાખવામાં આવી હતી. જો કે યુવતિને કોરોના લાગુ પડ્યો છે કે કેમ? તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. દર્દીની સારવાર માટે તબિબો અને નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યા છે. તબિબી અધિક્ષક મનિષ મહેતાએ સારવારની તમામ વ્યવસ્થા કરાવી છે.

(3:35 pm IST)