Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કુવાડવા પોલીસનો માલિયાસણ ચોકડી પાસે દરોડોઃ ૨.૧૬ લાખના દારૂ સાથે ૪ પકડાયા

સોખડાના ધનજી, સુરેશ ઉર્ફ મુળો, રાજૂ અને અકબરની ધરપકડઃ રિક્ષા મળી રૂ. ૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે : કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા અને નિલેષભાઇ વાવેચાની બાતમી

રાજકોટ તા. ૮: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. વધુ એક દરોડામાં કુવાડવા પોલીસે ૨,૧૬,૦૦૦ના ૫૪૦ બોટલ દારૂ સાથે ૪ શખ્સોને પકડી લઇ એક રિક્ષા મળી કુલ રૂ. ૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સોખડાથી માલિયાસણ ચોકડી તરફ જવાના રસ્તે ડમ્પ હાઉસ પાસે ખરાબાની જગ્યામાં આ ચારેય માલ સગેવગે કરવાની વેતરણમાં હતાં ત્યાં જ પોલીસ ત્રાટકી હતી.

કુવાડવા પોલીસ મથકના કોન્સ. દિલીપભાઇ આયદાનભાઇ બોરીચા, મનિષભાઇ પોલાભાઇ ચાવડા અને નિલેષભાઇ વાવેચાને બાતમી મળી હતી તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જીજે૦૩એયુ-૭૬૧૭ નંબરની રિક્ષા તથા રૂ. ૫૪૦ બોટલ દારૂ કબ્જે કરી ચાર શખ્સો સોખડાના ધનજી ધનાભાઇ રાઠોડ (કોળી) (ઉ.૩૪), અકબર આદમભાઇ આંબાતર (ઘાંચી) (ઉ.૪૬), સુરેશ ઉર્ફ મુળો પ્રેમજીભાઇ સાંકળીયા (કોળી) (ઉ.૨૩) અને રાજુ ઓઘલભાઇ ધરજીયા (કોળી) (ઉ.૨૨)ની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં  પીઆઇ એમ.આર. પરમાર, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. બી. ડી. ભરવાડ, જગમાલભાઇ ખટાણા તથા જેને બાતમી મળી એ ત્રણેય કર્મચારીએ આ કામગીરી કરી હતી. ચારેય દારૂ કયાંથી લાવ્યા? અને કોને આપવાનો હતો તે અંગે પુછતાછ થઇ રહી છે.

(11:44 am IST)