Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પૂ. હરિચરણદાસજીબાપુનું બપોરે થાપાનું ઓપરેશન

નિષ્ણાંત તબીબોની ટીમે ચેકઅપ કર્યા બાદ નિર્ણય લીધો : વીરપુર ગાદીપતિ રઘુરામબાપુની હાજરી : દેશ-વિદેશમાંથી સંતો - મહંતો અને ભાવિકો ખબર - અંતર પૂછી રહ્યા છે

ગુરૂભાઈઓ રાહમાં...: રાજકોટ : આ લખાય છે ત્યારે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુના થાપાનું ઓપરેશન ચાલુ છે અને ઓપરેશન થિએટર બહાર ગુરૂ ભાઈઓ નજરે પડે છે.

રાજકોટ, તા. ૮ : પૂ.હરિચરણદાસજીબાપુનું આજે બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે. ગતરાત્રે નિષ્ણાંત તબીબોની ટીમે ચેક-અપ કર્યા બાદ નિર્ણય લીધો છે. આ લખાય છે ત્યારે વીરપુર ગાદીપતિ પૂ. રઘુરામબાપુ પણ પૂ.હરિચરણદાસજીબાપુના ખબર - અંતર પૂછવા આવી રહ્યાનું જાણવા મળે છે. આ સિવાય દેશ-વિદેશમાંથી પણ ભાવિકો સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.

પૂ.હરિચરણદાસજીબાપુ અયોધ્યા ગયા હતા જયાં તેઓ બાથરૂમમાં પડી જતાં તેઓને થાપામાં ફ્રેકચર થયુ હતું. તેઓને ગઈકાલે તાત્કાલીક ધોરણે ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ ખાતેથી પૂ. બાપુને એમ્બ્યુલન્સમાં વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં જયાં પહોંચ્યા બાદ નિષ્ણાંત તબીબોની ટીમે બાપુનું ચેકઅપ અને રિપોટ્ર્સ કર્યા હતા.

દરમિયાન ડો.ધરમ ચાંદ્રાણી, ડો.શ્યામ ગોહેલ અને ડો.અવિનાશ મારૂ આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી પૂ.બાપુનું ઓપરેશન કરનાર હોવાનું જાણવા મળે છે. પૂ.બાપુને થાપામાં ફ્રેકચર છે અને હાલ તેની તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે પૂ.હરિચરણદાસજીબાપુનો વિશાળ ભકતોનો સમૂહ છે.

પૂ.ગુરૂદેવને હૃદયરોગની બિમારી અને અગાઉ પક્ષઘાતનો હુમલો પણ આવી ચૂકયો છે. તેઓ ૯૬ વર્ષના છે. તેઓને દુઃખાવો થતો હોય કોઈ વિકલ્પ નથી અને હાઈરીસ્ક સર્જરી કરવી જરૂરી હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યુ હતું. નિષ્ણાંત તબીબો ડો.ધરમ ચાંદ્રાણી, ડો.શ્યામ ગોહેલ અને ડો. અવિનાશ ઓપરેશન કરનાર છે. જયારે ડો. ચિરાગ માત્રાવડીયા કો-ઓર્ડીનેશન તરીકે કાર્યરત છે.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતાએ વોકહાર્ટ હોસ્પિટલ જઈ પૂ.ગુરૂદેવના ખબર અંતર પૂછયા હતા.(૩૭.૩)

(3:24 pm IST)