Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાજકોટમાં ભેજાબાજ બુટલેગર દ્વારા દુધના ટેન્કરમાં દારૂની હેરાફેરીઃ પ હજારથી વધુ બોટલો સહિત ૧પ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ ગાંધીના ગુજરાતમાં ફરી એક વખત લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. જો કે નવાઇની વાત તો એ છે કે બૂટલેગરે પોલીસથી બચવા માટે એવો કિમીયો અપનાવ્યો કે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા. આ ભેજાબાજ બૂટલેગર દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. આ માટે તેણે ખાસ પ્રકારનું દૂધનું ટેન્કર બનાવ્યું હતું. શહેરમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે એક દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું, પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ પાસે નવા 150 ફૂટ રીંગ રોડ પરથી કટારિયા ચોકડીથી વાવડી તરફ જવાના રસ્તા પર ઉભેલા દૂધના ટેન્કરની તલાસી લીધી હતી, જેમાંથી દૂધની આડમાં 5000થી વધુ વિદેશી દારૂની બોટલ એટલે કે 15 લાખથી પણ વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દૂધના ટેન્કરના ડ્રાઈવર મૂળ રાજસ્થાનના બુધારામ બીસનોઈની ધરપકડ કરી છે. જો કે સમગ્ર મામલે મજાની વાત તો એ છે કે દારૂની હેરાફેરી કરવા માટે દૂધનું ટેન્કર ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. જે બહારથી દૂધનું ટેન્કર જ લાગે છે. ડીઝલ ટેન્ક, દૂધનો વાલ્વ સહિતની વસ્તુઓ ટેન્કરમાં યોગ્ય જગ્યા ઉપર જ રાખવામાં આવી છે, પરંતુ આ ટેન્કરની નીચેની બાજુએ પોલીસની નજર ન પડે તેવી રીતે એક ચોરખાનું બનાવવામાં આવ્યું છે. અહીંથી એકથી બે વ્યક્તિ અંદર જઈ શકે અને તેમાં દારુ ચઢાવી કે ઉતારી શકે. દૂધ ભરવાના ટેન્કરમાં જે રીતે ઉપરથી દૂધ ઠાલવવામાં આવે છે તે મુજબ આ ટેન્કરમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ ટેન્કર ફક્ત દારૂની હેરાફેરી માટે જ બનાવવામાં આવ્યું હતું પરંતુ તેને દૂધના ટેન્કરનો આકાર આપી દૂધ સાગર ડેરીનો સિમ્બોલ આપી દૂધની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. ભેજાબાજની આ કરામત જોઇ પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.

(5:15 pm IST)